દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 29 વિધાનસભા(Assembly) અને 3 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીના (Election) પરિણામો (Result) આવવાનું શરૂ થઈ ગયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસે (Congress) એક સીટ જીતી છે અને એક સીટ પર આગળ ચાલી રહી છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસે મંડી લોકસભા સીટ અને જુબ્બલ કોટખાઈ વિધાનસભા સીટ પર જીત મેળવી છે. આ સિવાય તે વધુ એક સીટ પર આગળ ચાલી રહી છે. આસામમાં ભાજપ (BJP) અને તેના સહયોગી યુપીપીએલે (UPPL) તમામ 5 બેઠકો જીતી લીધી છે. બીજી તરફ, TMC બંગાળમાં તમામ 4 બેઠકો જીતીને ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ 3 સીટ પર આગળ છે જ્યારે કોંગ્રેસ માત્ર એક સીટ પર આગળ છે. બિહારની વાત કરીએ તો એક સીટ આરજેડીના ખાતામાં અને એક સીટ જેડીયુના ખાતામાં જતી જણાય છે.
લોકસભા પેટાચૂંટણીમાં ભાજપને આંચકો, મંડીમાં હાર
દેશની ત્રણ લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેનાએ એક-એક બેઠક જીતી છે. હિમાચલની મંડીની લોકસભા સીટ કોંગ્રેસે જીતી લીધી છે. અહીં તેમના ઉમેદવાર પ્રતિભા સિંહની જીત થઈ છે. બીજી તરફ દાદર અને નગર હવેલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર આગળ ચાલી રહ્યા છે. આ સિવાય મધ્યપ્રદેશની ખંડવા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જ્ઞાનેશ્વર પાટીલ આગળ ચાલી રહ્યા છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બ્રિગેડિયર કુશલ ચંદ ઠાકુર હારી ગયા. કોંગ્રેસના પ્રતિભા સિંહને જીત મળી હતી.
મમતાએ કહ્યું- લોકોએ નફરતભર્યા ભાષણની જગ્યાએ વિકાસને પસંદ કર્યો છે
મમતા બેનર્જીએ બંગાળની 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ટીએમસીની જીતને લોકોની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આ પરિણામ દર્શાવે છે કે બંગાળના લોકોએ પ્રચાર અને નફરતભર્યા ભાષણ કરતાં વિકાસ અને એકતાને પસંદ કરી છે.