ગાંધીનગર : આજે સવારે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે ભાજપના (BJP) ત્રણ સીનિયર કેન્દ્રિય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પાર્ટીના વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં સીનિયર ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ પક્ષના નવા નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત રજૂ કરી હતી, જેને પાર્ટીના અન્ય તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું. આ રીતે સતત બીજી ટર્મ માટે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પેટલની પંસદગી કરાઈ છે.
આજે સવારે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બી.એસ. યેદિપુરપ્પા તથા કેન્દ્રિય મંત્રી અર્જુન મુંન્ડા ભાજપના કમલમ કાર્યલય ખાતે આવી પહોચ્યા હતાં. તેવી જ રીતે પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ કાર્યાલય ખાતે આવી પહોચ્યા હતાં. કમલમ ખાતે ભાજપના સીનિયર આગેવાનોની મહત્વની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રિય નિરીક્ષકો , ઉપરાત ભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, તથા પૂર્વ ડે સીએમ નીતિન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ કમલમ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી.
દક્ષિણ ગુજરાતના પારડીના સીનિયર ધારાસભ્ય તથા પૂર્વ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત રજૂ કરી હતી. જેને અન્ય તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું. જેના પગલે સતત બીજી ટર્મ માટે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ હતી. વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ તે પછી સી.આર.પાટીલે તેમને મીઠાઈ ખવડાવી હતી. જયારે ભૂપેન્દ્ર પટેલે પણ પાટીલને મીઠાઈ ખવડાવી હતી. જયારે ભાજપન કેન્દ્રિય નિરીક્ષકો તથા અન્ય તમામ ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ દાદાને અભિનંદન આપ્યા હતા.