National

ભાજપે જાહેર કર્યા ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓના નામ, સહપ્રભારીઓની પણ નિમણૂંક

નવી દિલ્હી: (New Delhi) આ વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Election) યોજાવાની છે ત્યારે ભાજપે આ ચાર રાજ્યોના ચૂંટણી પ્રભારીઓની શુક્રવારે જાહેરાત કરી છે. ભાજપે રાજસ્થાનની (Rajasthan) જવાબદારી પ્રહલાદ જોશીને સોંપી છે. આ સિવાય ઓપી માથુરને છત્તીસગઢ, ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ અને પ્રકાશ જાવડેકરને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ પાર્ટીએ સહ પ્રભારીઓની પણ નિમણૂક કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષના અંતમાં યોજાનારી ચાર રાજ્યોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ચારેય રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટીએ પ્રહલાદ જોશીને રાજસ્થાનના પ્રભારી બનાવ્યા છે. આ સાથે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ ઓમ પ્રકાશ માથુરને છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા તેમના સહ-પ્રભારી તરીકે કામ કરશે.

બીજી તરફ મધ્યપ્રદેશ માટે પાર્ટીએ ભૂપેન્દ્ર યાદવને પ્રભારી તરીકે નિમણૂંક આપી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમના સહ-પ્રભારી તરીકે કામ કરશે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તેલંગાણામાં ચૂંટણી પ્રભારીનું કામ સંભાળશે અને સુનિલ બંસલ સહપ્રભારીની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારી ભાજપે શરૂ કરી દીધી છે.

જણાવી દઈએ કે આ પહેલા 3 જુલાઈએ ભાજપે પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા હતા. કોંગ્રેસમાંથી આવેલા સુનીલ જાખડને પંજાબમાં, ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશમાં, જી કિશન રેડ્ડીને તેલંગાણામાં અને બાબુલાલ મરાંડીને ઝારખંડમાં જવાબદારી સોંપવામાં આવી હતી. હવે ભાજપે ચૂંટણી પ્રભારીઓની જાહેરાત કરી છે. ભાજપે રાજસ્થાનની આગામી વિધાનસભા માટે નીતિન પટેલને મોટી જવાબદારી સોંપી છે. નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા છે.

આ ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જ્યાં ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે થશે તો તેલંગાણામાં પણ ત્રિકોણીય જંગ નિશ્ચિત છે. અહીંની વર્તમાન સરકાર ચલાવી રહેલી BRS ખૂબ જ મજબૂત પાર્ટી છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે. આ સિવાય તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન છે.

Most Popular

To Top