ગાંધીનગર: કોંગ્રેસના (Congress) રાજમાં કૌભાંડો ગણાતા નથી અને ભાજપના (BJP) રાજમાં કૌભાંડો જણાતા નથી. કોંગ્રેસે (Congress) વર્ષો સુધી દેશમાં અને રાજ્યમાં રાજ કર્યું પરંતુ તેના રાજમાં ગુજરાતનો વિકાસ ન થયો. થયા તો માત્ર જાતિ – જાતિ ભાઈઓ – ભાઈઓ વચ્ચે લડાઈ, કોમી રમખાણો. કોંગ્રેસે પોતાની વોટબેન્કને મજબૂત કરવા સમાજના એક ખૂબ મોટા વર્ગને અન્યાય કર્યો. 2004 થી લઈને 2014 સુધીના દશ વર્ષમાં કોંગ્રેસે ૧૨ લાખ કરોડના ગોટાળા, ભ્રષ્ટાચાર અને કૌભાંડો કર્યા, પોતાના અને મળતીયાઓના ઘર રૂપિયાથી ભર્યા અને દેશને વિકાસની દોડમાં અનેક વર્ષ પાછળ ધકેલ્યો. અમિત શાહે કહ્યું કે એક પત્રકારે તેમને કહ્યું હતું કે ” કોંગ્રેસના રાજમાં કૌભાંડો ગણાતા નથી અને ભાજપના રાજમાં કૌભાંડો જણાતા નથી. ભાજપા સરકારમાં આજે કોઈની પણ હિંમત નથી કે પ્રજાનો એક પણ રૂપિયો ચાઉં કરે, આજે પ્રત્યેક લાભાર્થીને તેને પૂરેપૂરી રકમ તેના બેન્ક ખાતામાં કોઈપણ વચેટિયા વિના સીધી જમા મળી રહી છે. તેવું આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે મહુધા (ખેડા), ઝાલોદ (દાહોદ), વાગરા (ભરૂચ) ખાતે ચૂંટણી સભાઓ સંબોધતા જણાવ્યું હતું.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં ગરીબ કલ્યાણ માટેના અનેકવિધ કામો કર્યા છે. દેશના 10 કરોડ ઘરોમાં શૌચાલય, 13 કરોડ બહેનોને ગેસનું સિલિન્ડર, અને આઝાદીના 70 વર્ષ પછી પણ વીજળીથી વંચિત એવા 18000 ગામો અને 3.80 કરોડ ઘરોમાં વીજળી પહોંચાડી ગરીબોમાં જીવનમાં ઉજાસ રેલાવ્યો છે. રાજ્યની ભાજપા સરકારે સમગ્ર ગુજરાતમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃધ્ધિનું વાતાવરણ પ્રસ્થાપિત કર્યું છે. ૨૦૦૨માં કોમી તોફાનો બાદ મોદીની ભાજપા સરકારે તોફાની તત્વોને એવો પાઠ ભણાવ્યો છે કે આજે ગુજરાતમાં કોઈપણ ખૂણે કર્ફ્યુની જરૂર ન પડે તે પ્રકારે સમગ્ર કાયદો અને વ્યવસ્થાનું નિર્માણ થયું છે. ભાજપા એટલે આદિવાસી કલ્યાણ અને આદિવાસી કલ્યાણ એટલે ભાજપા, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ. કોંગ્રેસે તેના કાર્યકાળમાં એકપણ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. આઝાદીના 75 વર્ષ પછી ગરીબ પરિવારમાંથી આવતા દ્રોપદી મુરમુને રાષ્ટ્રપતિ બનાવીને ભાજપાની આદિવાસીઓ અને ગરીબો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
વાગરા ખાતે કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ભાડભૂત પર 6 લેન બ્રિજ નિર્માણાધિન, દહેજ – હજીરાને જોડવા, રો – રો ફેરી, સમુદ્રી પાઈપલાઈનનું આયોજન થયું છે. વાગરા માં ૨ હજાર કરોડ સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં ૮ હજાર કરોડના વિકાસ કાર્યોના ભૂમિપૂજન, અંકલેશ્વરમાં એરપોર્ટનું પ્રથમ ચરણ, ૨૫૦ કરોડના નિવેશ સાથે ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની મંજૂરી, ભરુચમાં જ મેડિકલ કોલેજની શરૂઆત અને એરપોર્ટ શરૂ કરવાનો નિર્ણય, બુલેટ ટ્રેનનો ભરૂચ ખાતે સ્ટોપેજ, ભરૂચ – અંકલેશ્વર ટ્વીન સિટી તરીકે ડેવલપમેન્ટ સહિત અસંખ્ય વિકાસ કાર્યો ભાજપા સરકારે કર્યા છે.