ગાંધીનગર: તાજેતરમાં રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયેલા તબીબો ભાજપમાં (BJP) જોડાયા બાદ હવે 250 કરતાં વધુ રાજ્યની 8 જેટલી વિવિધ યુનિ.ઓ (University) સાથે સંકળાયેલા 250 જેટલા અધ્યાપકો શુક્રવારે (Friday) ભાજપમાં જોડાઈ ગયા છે. લગભગ 250 જેટલા અધ્યાપકોએ શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) તેમજ પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ અને ટોપી પહેરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભાજપમાં જોડાનાર અધ્યાપકોમાં પ્રો.ડો.જયવંતસિંહ સરવૈયા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અધ્યાપક ડો. કમલેશભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. ક્રિપાલસિંહ પરમાર, ડો.નારણસિંહ ડોડીયા, ગુજરાત યુનિવર્સિટીના ડો.આર.એસ.પટેલ સહિતના અધ્યાપકો જોડાયા હતા.
ભાજપના શિક્ષણ સેલના સંયોજક પ્રો.મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. ભાજપા સરકાર હંમેશા શિક્ષકોના હિતની ચિંતા કરે છે. આજે જે અધ્યાપકો ભાજપામાં જોડાયા છે તેમનું સ્વાગત કરુ છું. સવા બે લાખ જેટલા લોકોના મંતવ્ય લઇ શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. જે ખૂબ સારી છે, તેનો કયાંય વિરોધ થયો નથી, તેનો અમલ ટુંક સમયમાં થવાનો છે. નવી શિક્ષણ નીતિના આધારે ભવિષ્યના ભારતનો પાયો વધુ મજબૂત થશે.
તાજેતરમાં રાજ્યના અનેક નામાંકીત તબીબોએ કમલમ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે કેસરીસો ખેસ અને ટોપી પહેરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ એમ.એમ. પ્રભાકર, બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડિન ડો.પ્રણય શાહ, સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.પી મોદી સહિતના તબીબોનો સમાવેશ થાય છે.