Dakshin Gujarat

બ્રાન્ડેડ કંપનીની ચપ્પલ નહીં મળતા દુકાનદારને ફટકાર્યો અને પછી તો…

હથોડા: પીપોદરા જીઆઇડીસી (Pipodra GIDC) ખાતે ચપ્પલની દુકાને (Shop) ચપ્પલ ખરીદવા ગયેલા ભરવાડોએ મનપસંદ ચપ્પલ નહીં મળતાં દુકાનદારને ગાળો ભાંડી હતી. આથી લોકટોળું એકત્ર થઈ ગયું હતું. આ બનાવમાં દુકાનનો સામાન બહાર ફેંકી દઈ બેથી ત્રણ જણાને ઢોર માર મારી આતંક મચાવતાં સારવાર માટે ખસેડાયા હતા. આથી ઘટના સ્થળે ધસી ગયેલી કોસંબા પોલીસે (Police) પરિસ્થિતિ કંટ્રોલમાં લઈ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • દુકાનનો સામાન બહાર ફેંકી દેતાં આસપાસના દુકાનદારો ભેગા થઈ ગયા
  • એક દુકાનદારને છૂટ્ટી સાઇકલ મારી દીધી, ત્રણ જણાને માર મારતાં હાલત ગંભીર
  • દુકાનો પણ બંધ કરાવી દીધી, પોલીસ દોડી આવતાં ભાગી ગયા
  • પીપોદરામાં ચપ્પલ ખરીદવા મુદ્દે ભરવાડોનો આતંક મચાવી રહ્યાં છે

પીપોદરા જીઆઇડીસી ખાતે જગદીશસિંહ ચીમનસિંહ અને કમલેશકુમાર બંસીલાલ ચપ્પલની દુકાને મોટરસાઇકલ પર કેટલાક ભરવાડો ચપ્પલ લેવા આવ્યા હતા. અને દુકાનદાર બંસીલાલને પૂછ્યું કે, અડ્ડા કંપનીની ચપ્પલ છે કે? દુકાનદારે ના કહેતાં આટલી મોટી દુકાન ધરાવે છે અને અડ્ડા કંપનીની ચપ્પલ કેમ રાખતો નથી તેમ જણાવી ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. આથી આસપાસના દુકાનદારો પણ ત્યાં દોડી આવતાં ભરવાડોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દુકાનનો સામાન રોડ ઉપર ફેંકી દઈ એક દુકાનદારને છૂટ્ટી સાઇકલ મારી દીધી હતી. ત્યારબાદ ઝઘડા વચ્ચે પડેલા અન્ય દુકાનદારો ઉપર ભરવાડ તૂટી પડ્યા હતા અને દુકાનો બંધ કરાવી દઇ ભયજનક વાતાવરણ સર્જી દીધું હતું. બાદ હાથમાં પહેરેલા કડા વડે ભરવાડોએ આડેધડ ઢોર માર મારતાં ૨થી ૩ દુકાનદારને ગંભીર ઈજા થતાં કામરેજ અને સુરત હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ભરવાડો આતંક મચાવી રહ્યા ત્યાં વિસ્તારના અન્ય લોકો દોડી આવતાં ભરવાડો ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે કોસંબા પોલીસમથકના પી.આઇ. જે.એન.વાઘેલા તેમજ પાલોદ પોલીસને જાણ થતાં પોલીસના કાફલાએ ઘટના સ્થળે ધસી જઈ ભાગી છૂટેલા ભરવાડોની શોધખોળ હાથ ધરી હતી. ભરવાડોએ મચાવેલા આતંકમાં ત્રણેક દુકાનદારને ગંભીર ઈજા થતાં કામરેજ-સુરત સારવાર માટે ખસેડાયા છે. કોસંબા પોલીસે આતંક મચાવનાર દેવરાજ દાના બોડિયા, વિજય મેલા જાદવ, રામા રેવા સિંધવ તથા અન્ય અજાણ્યા ૩થી ૪ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top