ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના ઉકતા ગામના ઈન્ટરનેશનલ બ્લાઈડ ક્રિકેટર અનિલ ગરિયાને ગામ આગેવાન તથા તા.પં.ના ભાજપી (BJP) સભ્ય ઉલકુ નેવલાએ ચોરીનો આરોપ લગાવી માર માર્યો હતો. જેથી તેઓ મંગળવારે તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલ તથા ડો. નિરવ પટેલની આગેવાની હેઠળ તા.પં. કચેરી પહોંચી જિલ્લા વિકાસ અધિકારીને ઉદેશીને લખાયેલું આવેદન પત્ર ધરમપુર ટીડીઓ હાથીવાલાને સુપરત કયું હતું.
ધરમપુર તાલુકાના અંતિયાળ વિસ્તાર ઉકતા ગામમાં રહેતાં ઈન્ટરનેશનલ બ્લાઈડ ક્રિકેટર અનિલ ગરિયા 2018માં પાકિસ્તાન સામે વર્લ્ડકપ જીતનારી ટીમનો ખેલાડી છે. આ કિકેટરને તત્કાલિન સીએમ વિજયભાઈ રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા સન્માનિત પણ કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ જેવી સ્પર્ધા યોજીને યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે, ત્યારે શિસ્તબદ્ધ રીતે ચાલતી ભારતીય જનતા પાર્ટીના ધરમપુર તા.પં.ના ભાજપી સભ્ય ઉલકુ ગના નેવલ દ્વારા નિર્દોષ ખેલાડી એવા અનિલ ગરિયા ઉપર ચોરીનો આરોપ મૂકી માર માર્યો હતો. ખેલાડી ઉપર ખોટી ફરિયાદ કરાઈ રહી છે. જે આદિવાસી સમાજ માટે અપમાન છે. જેથી આવું કુત્ય કરનાર તા.પં.ના ભાજપી સભ્યનું તાત્કાલિક સભ્ય પદ રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
અનિલ ગારિયા યુવકની બાઈક ચોર સમજી લઈ ગયા, પંચ સામે તેમનું વર્તન યોગ્ય નથી: ભાજપી સભ્ય
સમગ્ર બાબતે તા.પં.ના ભાજપી સભ્ય ઉલકુભાઈએ જણાવ્યું કે પંચમાં સમાધાન માટે બેઠક રાખવામાં આવી હતી. અનિલ ગારીયા જ તા.પં.સભ્ય ઉપર આંગળી ઊંચી કરી મારવા માટે દોડી આવતા ઝપાઝપી થઈ હતી. અનિલ ગારિયા જોડે મારા મારી થઈ ન હતી અને જે છોકરાની બાઈક અને ચાવી અનિલભાઈ પોતાની સાથે લઈ ગયા હતા, તે છોકરો નજીકમાં જ કોઈ યુવકો સાથે કામ અર્થે ગયો હતો. તે ચોર ન હોતો છતાં તેની બાઈક અને ચાવી અનિલભાઈ ચોર સમજીને લઈ ગયા હતા. જે યોગ્ય ન કહી શકાય. ક્રિકેટર છે તે માટે સન્માન છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ વર્તન પંચ સામે યોગ્ય ન કહી શકાય.