SURAT

તેલના ડબ્બાના ભાવો 3000 રૂપિયા કુદાવી જતાં સુરતીઓને દશેરાના દિવસે ફાફડા-જલેબી મોંઘા પડશે

સુરત: કોવિડ-19 કોરોના (Corona) કાળનાં 2 વર્ષ બાદ સુરત (Surat) સહિત રાજ્યમાં નવરાત્રિની (Navratri) ઉજવણી ધૂમધામથી કરવામાં આવી છે. આ વર્ષે લોકોમાં મા અંબાની પૂજા-અર્ચનાને લઈ અનેકગણો ઉત્સાહ જોવા મળ્યો છે. દશેરાના દિવસે રાવણ દહનની તૈયારીઓ પણ જોરમાં છે. દશેરાના દિવસે સુરતી પ્રાચીન પરંપરા મુજબ જલેબી-ફાફડાની લ્હાણી કરતા હોય છે. વહેલી સવારથી ફરસાણની દુકાનો બહાર ફાફડા અને જલેબીની ખરીદી માટે લાંબી લાઈનો લાગતી હોય છે. 2022ના વર્ષમાં તેલના ભાવો 3000 રૂપિયા કુદાવી જતાં સુરતીઓને ફાફડા, જલેબી મોંઘા પડશે. પણ સુરતીઓનો ઉત્સાહ જળવાઈ રહેશે તો આવતીકાલે દશેરાના દિવસે સુરતીઓ 200 કરોડના જલેબી, ફાફડા, મીઠાઈઓ આરોગી જશે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ફાફડા-જલેબીના વેચાણ પર પડશે. મધ્યમ વર્ગ ખરીદીનું પ્રમાણ ઘટાડશે.

ગત વર્ષ કરતાં ફાફડા જલેબીના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. ફાફડા 650થી 800 અને જલેબી 700થી 960માં વેચાઈ રહી છે. શુદ્ધ દેશી ઘીમાંથી બનેલી જલેબીનો પ્રતિ કિલો ભાવ 800થી 1300 રૂપિયા ચાલી રહ્યો છે.
સુરતમાં ગત વર્ષની સરખામણીએ ફાફડામાં કિલોએ રૂપિયા 40નો વધારો થયો છે. ફરસાણના વેપારીઓ કહે છે કે, આ વર્ષે તેલ, ઘી, ખાંડ, ચણાના લોટના ભાવમાં વધારો થયો છે. જેના લીધે ફાફડા-જલેબી પણ મોંઘા થયા છે. મોંઘવારીને લીધે એડ્વાન્સ ઓર્ડર વીતેલા વર્ષ કરતાં ઓછા મળ્યા છે. ખરીદીની ક્વોન્ટિટી પણ ભાવ વધવાને લીધે ઘટી છે. દશેરાની સાથે સુરતમાં ચંદની પડવાને લઈને ઘારી બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પણ સુરતમાં શરદ પૂનમની રાતે કરોડો રૂપિયાની ઘારી ખવાશે. સુરતની ઘારી સાત સમંદર પાર દુબઈ, બ્રિટન, કેનેડા વિશેષ પેકિંગમાં જતી હોય છે.

કોરોનાનાં બે વર્ષ પછી દશેરાના દિવસે જ્વેલરી અને ઓટો મોબાઈલ સેક્ટરમાં મૂવમેન્ટ જોવા મળશે
કોવિડ-19 કોરોના સંક્રમણનાં બે વર્ષ જેમ એન્ડ જ્વેલરી અને ઓટો મોબાઈલ ઉદ્યોગ માટે કપરા રહ્યા પછી આ વર્ષે વેપારમાં તેજીનો કરંટ જોવા મળે એવી આશા જ્વેલર્સ અને વાહન ડીલર્સ રાખી રહ્યા છે. આ સેક્ટરના જાણકારોનું કહેવું છે કે, આ વર્ષે દશેરાના દિવસે વેપારમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે. કોરોનાનાં બે વર્ષમાં જેમણે આરોગ્યની સુરક્ષા માટે ખરીદી કરી ન હતી, એવા પરિવારો પુષ્ય નક્ષત્રના દિવસે શુકનની ખરીદી ઉપરાંત દશેરા અને ધનતેરસના શુભ દિવસે વાહનો અને જ્વેલરીની ડિલિવરી માટે ઓર્ડર નોંધાવ્યા હતા. સુરત અને દક્ષિણ ગુજરાતમાં દિવાળીની સિઝનના આ બે શુભ દિવસોનું બુકિંગ પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્તે નોંધાવવાની અને દશેરા, ધનતેરસના દિવસે ડિલિવરી લેવાની પેટર્ન ચાલી રહી છે. ગયા વર્ષે દશેરાના દિવસે જ્વેલર્સને 100થી 130 કરોડના ઓર્ડર મળ્યા હતા. આ વર્ષે વેપાર વધવાની શક્યતા છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત રિજીયનના પ્રેસિડેન્ટ નૈનેશ પચ્ચીગર કહે છે કે, સોનાના ભાવ છેલ્લાં બે વર્ષના ટોપથી નીચે આવ્યા હોવાથી ખરીદી વધશે. ચાંદીના ભાવો પણ તૂટ્યા છે. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો રહ્યા છે. લોકોનો ઉત્સાહ જોતાં દશેરાના દિવસે સુરતના 2500 નાના-મોટા જ્વેલર્સને એક જ દિવસમાં 100થી 130 કરોડના ઓર્ડર મળી શકે છે. શુકનની છૂટક ખરીદી પણ લાઈટવેટ જ્વેલરીની ડિમાન્ડ નીકળી શકે છે.

સોના-ચાંદીના સિક્કા અને લગડી માટે એડ્વાન્સ બુકિંગ થવાની શક્યતા
દશેરાના શુભ દિવસે વિશેષ મુહૂર્તમાં સોના-ચાંદીના સિક્કા, લાઈટ જ્વેલરી અને ભગવાનનાં આભૂષણોની ખરીદી કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે સિક્કાઓ, વીંટી ઈયરિંગ, ઝાંઝર, ચેઇનના એડ્વાન્સ ઓર્ડર જ્વેલર્સને મળી શકે છે. સોનાના 2,5,10 ગ્રામ અને ચાંદીના 10,20,50 ગ્રામ સિક્કાની ડિમાન્ડ જોવા મળી રહી છે. સરેરાશ 15થી 20 કરોડનો વેપાર માત્ર સિક્કાઓની ખરીદી પાછળ થવાની શક્યતા જોવાઇ રહી છે.

નવેમ્બર-ડિસેમ્બરની લગ્નસરાંની સિઝનની જ્વેલરીના ઓર્ડર આજે નોંધાશે
ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની લગ્નસરાંની સિઝનમાં ઘણા પરિવારો ધામધૂમથી લગ્નપ્રસંગ ગોઠવી રહ્યા છે. તેને લીધે પુષ્ય નક્ષત્રના શુભ દિવસે શુભ મુહૂર્તે જ્વેલરીની ડિલિવરી તો લેવાશે જ, પણ સાથે જેમની પાસે નાણાકીય સગવડ થઇ છે તેઓ પણ જ્વેલરીની ખરીદી કરશે. આ વર્ષે લગ્નસરાંની ખરીદી વધુ થશે. નવેમ્બર-ડિસેમ્બરમાં 6000 લગ્ન માટે જ્વેલર્સને બુકિંગ મળવાનો અંદાજ છે.

ટુ વ્હીલર અને બજેટ કારનું વેચાણ સારું રહેશે
જીએસટીને લીધે પ્રિમિયમ કારની કિંમતો વધી હોવાથી ફોર વ્હીલરમાં 4.50 લાખથી 12 લાખ સુધીની કિંમતમાં આવતી બજેટ કારનું વેચાણ સારું રહેશે એવો અંદાજ છે. વાહન ડીલરોનું કહેવું છે કે, ચાલુ વર્ષે પુષ્ય નક્ષત્રના દિવસે નોંધાયેલાં વાહનોની ડિલિવરી આવતીકાલે દશેરાના દિવસે થશે. સાથે સાથે દિવાળીની સિઝનમાં જે નવી કાર લોન્ચ થવાની છે એનું બુકિંગ પણ આવતી મળી શકે છે. જેની ડિલિવરી ધનતેરસનાં શુભ મુહૂર્તમાં થશે. ટુ વ્હીલરમાં ઇલેક્ટ્રિક બાઇકની સારી ઇન્કવાયરીઓ મળવાની શક્યતા છે. સરેરાશ 4000 ટુ વ્હીલર અને 600થી 800 ફોર વ્હીલર તહેવારોની સિઝનમાં વેચવાનો અંદાજ છે.

ચાલુ વર્ષે ગલગોટાના ભાવો કિલોએ 20થી 40 વધુ ચૂકવવા પડશે
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાસિક બેલ્ટમાં ખાતર સહિતના ભાવો વધવા સાથે ગલગોટાની ખેતી મોંઘી થતાં વાપી, નવસારી અને નાસિકની હોલસેલ માર્કેટમાં કિલો ગલગોટાનો ભાવ મંગળવારે 180થી 200 રૂપિયા બોલાયો હતો. જે સુરતમાં ડિંડોલી, ગોડાદરા, અશ્વિની કુમારની માર્કેટમાં 220થી 240 રૂપિયા બોલાયો હતો. જો કે, ચાલુ વર્ષે વરસાદ સારો રહેતાં ગલગોટાનું ઉત્પાદન સારું રહ્યું છે.

Most Popular

To Top