Madhya Gujarat

આણંદ પાલિકામાં ભાજપ કોર્પોરેટરે સામાજીક કાર્યકરને હડધૂત કર્યો

આણંદ : આણંદ નગરપાલિકાના વોર્ડ નં.11ના ભાજપના કાઉન્સિલરે સામાજીક કાર્યકરને અપશબ્દ કહ્યાં હતાં. આ મામલે તેમના સામે આણંદ ટાઉન પોલીસ મથકે એટ્રોસીટી અંતર્ગત ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાજિક કાર્યકર 19મી માર્ચના રોજ સભાખંડમાં રજુઆત કરવા જતાં હતાં તે સમયે આ બનાવ બન્યો હતો. આણંદ શહેરના સામાજીક કાર્યકર અને આરટીઆઈ એક્ટીવીસ્ટ કિરણકુમાર સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકાના સભાખંડમાં 19મી માર્ચ,2022ના રોજ સામાન્ય સભા ચાલુ હતી. તે વખતે આણંદ પાલિકા વોર્ડ નં.2, 11 અને 12ની મહિલાઓને જાહેરમાં શૌચ જવા મજબૂર થવું પડતું હોવાથી સમાજ સેવક તરીકે સભાખંડમાં મુખ્ય અધિકારી એસ.કે. ગરવાલને રજુઆત બાબતે અરજી આપવા માટે જતાં હતાં. તે વખતે સભાખંડમાં હાજર વોર્ડ નં.11ના કાઉન્સીલર જીજ્ઞેશ ઉર્ફે જીગો રબડી ધીરૂભાઈ પટેલએ સભાખંડમાંથી મેઇન દરવાજાની પાસે આવીને મને કહેલ કે, તારે અંદર આવવાનું નથી,

તેમ કહી ઉશ્કેરાઇ જઇ ધક્કો મારતા મારતા સભાખંડની બહાર કાઢી મુક્યો હતો. જોકે, આ વખતે હાજર અધિકારી એસ.કે. ગરવાલે પણ જીગ્નેશ ઉર્ફે જીગા રબડી ધીરૂભાઈ પટેલને જણાવ્યું હતું કે, કિરણભાઈને રજુઆત કરવા માટે અંદર આવવા દો. તેમ છતાં મારી રજુઆત કરવા માટે જતા મને રોકવામાં આવ્યો હતો અને સભાખંડમાં હાજર લોકોમાં મારૂ સ્વમાન ઘવાય તે રીતે મને મારા શર્ટની ફેંટ પકડીને ધક્કાઓ મારી ગમે તેમ અપશબ્દ કહ્યાં હતાં. આ ઉપરાંત અહીંથી તુ જતો રહે, તેવી રીતે હડધૂત કર્યો હતો. જો તું અહીંથી નહીં જાય તો તને પતાવી દઇશ તેવી મારી નાખવાની ધમકી આપી સભાખંડમાંથી બહાર કાઢી મુક્યો હતો. આણંદ નગરપાલિકાના વોર્ડ નં.11ના કાઉન્સીલર જીગ્નેશ ઉર્ફે જીગો રબડી ધીરૂભાઈ પટેલે જાહેરમાં માનભંગ કરી અપમાનીત કરી અપશબ્દો બોલી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે.

Most Popular

To Top