વડોદરા: આચારસંહીતા મુજબ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો દ્વારા ઠેકઠેકાણે રેલીઓનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને પક્ષના કાર્યકરો રેલીમાં જોડાયા હતા. વોર્ડ નં. 16માં ભાજપ-કોંગ્રેસની રેલી આમને સામને આવી જતાં મામલો ગરમાતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. રેલી લોહીયાળ બની હતી. પોલીસ હાજર હોવા છતાં મુકપ્રેક્ષક બની જોઈ રહી હતી.
વોર્ડ નં. 16 માં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ની પેનલ અને ભાજપની પેનલ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. શુક્રવારે પ્રચાર દરમિયાન બંને પક્ષની રેલીઓ સામસામે આવી ગઈ હતી. ડભોઈ રીંગ રોડ પર રેલી સામસામે આવી જવાથી ભારે ઉત્તેજના સર્જાઈ હતી. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના એક કાર્યકરને ઢોર માર માર્યો હતો. ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર વિશાલને પણ માર પડ્યો હતો. કોંગ્રેસની રેલીમાં ટેમ્પો ઉપર લગાવેલા બેનરો ફાડી નંખાયા હતા.
વાહનોના કાચ તોડી નાંખાયા હતા. સ્થાનિક પોલીસ સ્થળ પર હાજર હતી છતાં પરિસ્થિતિ બેકાબુ બની હતી. બંને પક્ષના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી ઉપર ઉતરી આવ્યા હતા.સંખ્યા બંધ કાર્યકરો લોહીલુહાણ થઈ ગયા હતા. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ એક-બીજાને ધ્વજના દંડાથી ફટકાર્યા હતા. અફરાતફરી બાદ પોલીસે મામલો થાળે પાડયો હતો.
ભાજપના અધ્યક્ષ વિજય શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો પર હુમલો કરી જે ગુંડાગીરી કરી છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.