ગાંધીનગર: ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે સોમવારે યુવા કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ દ્વારા આ સંમેલનને મંજૂરી આપવામાં આવી નહોતી. આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર ડરપોક છે. ભાજપ યુવાનોથી ડરી ગઈ છે, એટલે જ યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી આપી નથી. જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો ભાજપની આ તાનાશાહી અને સરમુખત્યારશાહીથી ડરવાના નથી. કોઈપણ જાતના ડર કે ભય વગર કોંગ્રેસનો કાર્યકર પ્રજાના પ્રશ્નો તેનો અવાજ ઉઠાવતા રહેશે, હમ લડેંગે ઝુકેગે નહીં.
- “હમ લડેંગે ઝુંકેગે નહીં” : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
- યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી આપી હોત તો, યુવાનોએ સરકારના પાયા હચમચાવી નાખ્યા હોત : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બેરોજગાર યુવાનો માટે સરકારની ખાલી જગ્યાઓ તાત્કાલિક કરવી જોઈએ. યુવાનો સરકાર ક્યારે ભરતી કરશે, તેનો જવાબ માગવા માટે એકત્ર થવાના હતા, પરંતુ અમને રોકવામાં આવ્યા છે. સરકારને ખબર છે કે, રાજ્યમાં બેરોજગારી અને પેપરકાંડને પગલે યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જો સરકારે યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી આપી હોત તો, રાજ્યભરમાંથી યુવાનો ગાંધીનગરમાં ઉમટી પડ્યા હોત, અને ગાંધીનગરની સરકારના પાયા હચમચાવી નાખ્યા હોત. એટલે જ સરકારે પોલીસને આગળ ધરી યુવા કાર્યકરોની અટકાયત કરી છે. તે કેટલાક યુવા અગ્રણીઓને મોડી રાત્રે જ તેમના ઘરમાંથી ઉઠાવી લઈ પોલીસ મથકે નજર કદ કર્યા હતા.