Gujarat

મહાઠગ કિરણ પટેલ ભાજપની ડબલ એન્જિન સરકારનો મોટો વહીવટદાર હતો : અમીત ચાવડા

ગાંધીનગર : સત્ર સમાપ્તિ સુધી ગુજરાત (Gujarat) વિધાનસભામાં સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના (Congress) સભ્યોએ આજે મહાઠગ કિરણ પટેલના કૌભાંડોના (Kiran Patel SCAM) મામલે ભાજપા (BJP) સરકાર સામે દેખાવો કર્યા હતા. કોંગી સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે મહાઠગ કિરણ પટેલ ભાજપની ડબલ એન્જિન સરકારનો મોટો વહીવટદાર હતો. કોંગી સભ્યોએ વિધાનસભાના પગથિયે સૂત્રોચ્ચાર કરીને દેખાવો તથા ધરણાં કર્યા હતા. પ્લે કાર્ડ પર એવા સૂત્રો લખાયાં હતાં કે દાદા મહેરબાન તો મહાઠગ પહેલવાન, દાદા મક્ક્મ તો મહાઠગ અડીખમ , સીએમઓના આશીર્વાદથી જ મહાઠગ કિરણ પટેલ કાશ્મીર પહોચ્યો , કાળા ચશ્મા – કાળા કામ, કિરણ તુ તો માલામાલ.

કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શાસક પક્ષ ભાજપ ધ્વારા બહુમતીના જોરે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્રના અંત સુધી સસ્પેન્ડ કરી દીધા છે. જો કે મહાઠગ કિરણ પટેલ વિષે ચર્ચા પણ કરી ન હતી. ચાવડાએ જણાવ્યું હતું કે આ ડબલ એન્જિન સરકારમાં મહાથગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો છે. કમલમથી કાશ્મીર સુધીના આ સફરમાં અનેક લોકોને ઠગ્યા તો ખરા પણ PMO ના અધિકારી છે એવા વિઝિટિંગ કાર્ડ બનાવી કાશ્મીર જેવા દેશના સૌથી સંવેદનશીલ વિસ્તાર કહેવાય ત્યાં આગળ ઝેડ પ્લસ ની સુરક્ષા લઈને કિરણ પટેલ ફર્યો છે.

ચાવડાએ કહ્યું હતું કે, અનેક સુરક્ષાના સંવેદનશીલ વિસ્તારમાં વિઝિટ કરી અનેક લોકોને સૂચનાઓ આપી અને CMO ના આશીર્વાદથી G20 માટે IAS IPS અધિકારીઓ ની મિટિંગ બોલાવે, અલગ અલગ ડીપાર્ટમેન્ટના અધિકારીઓની મિટિંગ બોલાવીને આદેશો આપે અને CMO માં બેઠેલા લોકો અને તેમના પરિવારના લોકો આમાં ભાગીદાર હોય અને આ મુદ્દો જે મહાઠગીનો છે અને આ ડબલ એન્જિન સરકાર મહાઠગ વહીવટદાર હોય એ આખી દુનિયાએ એ જોયું છે. . આને લીધે ગુજરાતની છબી ખરડાઇ, ગુજરાત સરકારની છબી ખરડાઇ એ મુદ્દાની ચર્ચા કરવા માટે આજે ગુજરાત વિધાનસભામાં સભા મૌકૂફીની દરખાસ્ત કરી ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી જવાબ આપે એની ચર્ચા કરવા કલમ 116ની નોટિસો આપવાની હતી ત્યારે આ સરકાર ચર્ચામાંથી ભાગવા માંગે છે અને તે છુપાવવા માંટે જ કોંગ્રેસના ધારાસભ્યોને આખા સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં હતા. તો પછી મુખ્યમંત્રી જવાબ આપે કે CMO ના શું આશીર્વાદ છે, PMOના શું આશીર્વાદ છે કે એક મહાઠગ કમલમથી કાશ્મીર સુધી આખી દુનિયાને છેતરી રહ્યો છે.

Most Popular

To Top