સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણી (Election) માટે સ્વાભાવિક રીતે જ ભાજપમાંથી દાવેદારોની લાઇન લાગી છે. ત્યારે આ વખતે ભાજપમાં ધારાસભ્યોનાં સંતાનોથી લઇને પર્સનલ આસિસ્ટન્ટ અને પૂર્વ પદાધિકારીઓનાં સંતાનો, શિક્ષણ સમિતિ ચેરમેનથી લાઇને અડધાથી વધુ સભ્યોએ મનપાની ચૂંટણી લડવા માટે લાઇન લગાવી છે. તેથી સ્વાભાવિક રીતે જ ભાજપમાં ઉમેદવાર પસંદગી બાબતે ભારે લોબિંગ જામ્યું છે.
થોડા સમય પહેલાં પ્રદેશ ભાજપ પ્રમુખે એક જગ્યાએ કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની થિયરીને અનુસરવું તેમજ તેમાં પણ એક પરિવારમાંથી એકથી વધુ સભ્યો સક્રિય હોય તો પણ એક જ વ્યક્તિએ હોદ્દો કે ટિકિટ માંગવી. (demand tickets) જો કે, આમ છતાં મનપાની ટિકિટ માટે દાવેદારી કરવામાં રાજકીય નેતાઓનાં સંતાનો અને લાગતા વળગતાઓ પાછળ રહ્યા નથી. કોટ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય રણજિત ગીલીટવાલાના પુત્ર બંસી ગીલીટવાલા, અડાજણમાં પૂર્વ ધારાસભ્ય સ્વ.હેમંત ચપટવાલાના પુત્ર કેયૂર ચપટવાલાએ ટિકીટ માંગી છે.
પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય કેશુભાઇ ગોટીના પુત્ર સુરેશ ગોટી, માજી ડેપ્યુટી મેયર રંજન વેકરિયાનો પુત્ર કશ્યપ, ધારાસભ્ય કાંતિ બલરના પી.એ. દર્શન, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના પી.એ. અંકિત નાયક, શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલ, સભ્યો ચીમનલાલ પટેલ, પરિમલ ચાસીયા, નિરંજના બહેન, સુષમા બહેન સહિત અડધા સભ્યોએ ટિકિટ માંગી છે. તો કતારગામ ઝોનમાં ત્રણ ટર્મનાં કોર્પોરેટર રંજન સરતાનપરાની પુત્રીએ ટિકિટ માંગી છે. જ્યારે તત્કાલીન મેયર ડો.જગદીશ પટેલના પી.એ. સ્મિતે પણ ટિકિટ માંગી છે. તો વર્તમાન કોર્પોરેટર અનિતા દેસાઇ અને તેના પિતા યશોધર દેસાઇ બંને પણ દાવેદારી કરી રહ્યા છે.
પૂર્વ કોર્પોરેટરના પરિવારના ચાર સભ્યોએ બે-બે વોર્ડમાંથી દાવેદારી કરી
સુરત મનપાનું નવું વોર્ડ સીમાંકન થયા બાદ ઘણા વર્તમાન અને માજી નગર સેવકોનો જૂનો મત વિસ્તાર બે કે ત્રણ વોર્ડમાં વહેંચાઇ ગયો હોવાથી ઘણા નગર સેવકોએ બે-બે વોર્ડમાંથી પણ દાવેદારી કરી છે. જો કે, વોર્ડ નં.9 અને 10માં પૂર્વ કોર્પોરેટર ધમિષ્ઠા લોટવાલા ઉપરાંત તેના પતિ, જેઠ અને ભત્રીજા એમ એક જ પરિવારમાંથી ચાર વ્યક્તિએ બે-બે વોર્ડમાંથી દાવેદારી કરી છે.
વોર્ડ નં.3માં બહારના નેતાઓએ દાવેદારી કરતાં સ્થાનિક કાર્યકરોનો વિરોધ
સુરત : સુરત મનપાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકોએ વોર્ડ વાઇઝ દાવેદારોની રજૂઆતો સાંભળ્યા બાદ હવે કયા વોર્ડમાં કોણે દાવેદારી કરી છે તે બાબતે વિગતો બહાર આવતી જાય છે, તેમ તેમ કાર્યકરોમાં ઉહાપોહ અને વિરોધનો સૂર પણ પડઘાવા માંડ્યો છે. કેમ કે, ઘણા નેતાઓએ પોતાના વોર્ડને બદલે અન્ય વોર્ડમાંથી દાવેદારી કરી સેઇફ પેસેજ મેળવવા લોબિંગ શરૂ કર્યું છે. આવું જ વોર્ડ નંબર : 3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણામાં થયું છે. હદ વિસ્તરણ બાદ સૌરાષ્ટ્રવાસીઓની મોટી વસતી ધરાવતો મોટો વિસ્તાર સુરત મનપામાં આવ્યો છે. તે પૈકી વોર્ડ નંબર : 3ના વરાછાના વિસ્તારની સાથે સરથાણા-સીમાડા-લસકાણા બનાવાયો છે. આ વોર્ડમાં સ્થાનિક જૂના કાર્યકરો દાવેદાર છે. તેની સાથે બાજુના વોર્ડ નંબર : 4 કાપોદ્રામાં રહેતા અને ત્યાંથી અગાઉ ચૂંટણી લડી ચૂકનારા નેતાઓ દ્વારા દાવો કરાતાં સ્થાનિક કાર્યકરોમાં વિરોધ છવાયો છે. તેમજ ગત રાત્રે થયેલી મીટિંગમાં વોર્ડ બહારના નેતાને સાંખી નહીં લેવાય તેવો સૂર વ્યક્ત કરાયો હતો. જ્યારે વોર્ડ નંબર : 5 ફૂલપાડા-અશ્વિનીકુમાર વર્ષ-2015માં પાટીદાર આંદોલનના ઓછાયામાં ભાજપે ગુમાવ્યો હતો. કોંગ્રેસના દિનેશ કાછડિયા જેવા ઉમેદવારની પેનલ હોવા છતાં આ વખતે જે રીતે વોર્ડ બનાવાયો તેમાં ભાજપ માટે ફરીથી વોર્ડ કબજે કરવાની આશા છે. ત્યારે આ વોર્ડમાં ઘણા જૂના કાર્યકરોએ દાવો કર્યો છે. જો કે, ભાજપના જૂના જોગી અને ડાયમંડ ઉદ્યોગપતિ વાલજી કેસરીના ભાણેજે અહીંથી દાવેદારી કરતાં વરસોથી કામ કરતા કાર્યકરો ટેન્શનમાં આવી ગયા છે.