Dakshin Gujarat

વાંસદા: ભાજપના ઉમેદવારની ગાડી ઉપર હુમલો, કાંચ ઉમેદવારના માથામાં વાગતા ઘાયલ

વાંસદા: (Vansda) વાંસદા તાલુકાના ઝરી ગામે આમલા ફળિયા પાસે મતદાન (Voting) અગાઉ ભાજપના ઉમેદવાર (BJP Candidate) પિયુષ પટેલની ગાડી (Car) ઉપર હુમલો થયો હતો. હુમલામાં ગાડીના કાચ તૂટી પિયુષ પટેલના માથામાં વાગતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટના બાદ અજાણ્યા 15 થી 20 માણસો વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • ચૂંટણીના થોડા જ કલાકો અગાઉ વાંસદાના ભાજપના ઉમેદવારની ગાડી ઉપર હુમલો
  • હુમલામાં ગાડીના કાચ તૂટી ઉમેદવારને માથામાં વાગતા પ્રાથમિક સારવાર કરાવી
  • અજાણ્યા ૧૫ થી ૨૦ માણસો વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી

ઉમેદવાર પિયુષ પટેલ પોતાના ડ્રાઇવર શનિભાઈ પટેલ અને નીરવ પટેલ સાથે સ્કોર્પિયો ગાડી નંબર GJ 21 CD 550 લઈ ચીખલી ગયા હતા. આ દરમ્યાન તેમની સાથે અન્ય કાર નં. DN 9 M 859, મારુતિ સુઝુકી સિયાઝ ગાડી નં. GJ 21 BC 2277, અર્ટિકા ગાડી નં. GJ 26 A 2510 અને એક નંબર વગરની ફોરવ્હીલ ગાડી એમ ચાર ગાડી સાથે હતી. જે લઈ ચીખલીથી વાંસદા પરત ફરતી વખતે રાત્રે ઝરી ગામના રામ મંદિર ત્રણ રસ્તા, આમલા ફળિયા પાસે રોડ ઉપર કોંગ્રેસના કાર્યકર ધનજી પટેલ, ઠાકોર પટેલ અને જયેશભાઈ તેમજ અન્ય ૧૫ થી ૨૦ માણસોએ ભાજપના ઉમેદવાર સહિતની ગાડીઓ ઉભી રખાવી ‘તમે ક્યાં જાઓ છો’ તેમજ ‘ભાજપના ઉમેદવાર છો’ ? એમ કહી લાકડી – ધોકા વડે તમામ ગાડીઓ ઉપર ફટકા મારી કાચ તોડી નાંખ્યા હતા.

જેમાં કાચ તૂટી પિયુષ પટેલના માથામાં લાગતા ઈજા થતાં તેમને કોટેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા વાંસદા પોલીસ મથકે ધસી જઈ કોંગ્રેસ વિરોધી નારાઓ લગાવી ઉગ્ર વિરોધ ઠાલવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે પિયુષ પટેલે ધનજી પટેલ, ઠાકોર પટેલ અને જયેશભાઈ પટેલ (તમામ રહે. ઝરી) તેમજ અજાણ્યા ૧૫ થી ૨૦ માણસો વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

કોંગ્રેસના કાર્યકરોએ મારી ઉપર હુમલો કર્યો છે
ઝરી ગામે મારી ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે. પરંતુ હું મારા ભાજપના કાર્યકર્તાઓ અને મતદારોને વિનંતી કરું છું કે આપણે સંયમ રાખવાનો છે. આનો જવાબ આપણે મતદાન કરીને આપીશું.- પિયુષ પટેલ, ભાજપ ઉમેદવાર

Most Popular

To Top