નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 25 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. બીજેપીએ અત્યાર સુધીમાં કુલ 146 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અગાઉ પહેલી યાદીમાં 99 અને બીજી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.
આ ઉપરાંત નાંદેડ લોકસભા બેઠક પર થનારી ઉપચૂંટણી માટે બીજેપીએ સંતુક મારોતરાવ હંમબર્ડેનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસના સાંસદ વસંતરાવ ચવ્હાણનું ઓગસ્ટમાં આકસ્મિક નિધન થયું હોવાથી નાંદેડ બેઠક પર ઉપચૂંટણી થઈ રહી છે. કોંગ્રેસે ઊપચૂંટણી માટે દિવંગત નેતા વસંતરાવ ચવ્હાણના દીકરા રવીન્દ્ર ચવ્હાણને ઉમેદવાર જાહેર કર્યા છે.
મહાયુતિ ગઠબંધને હજુ સુધી 288 બેઠકોમાંથી 260 પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 28 સીટો પર ઉમેદવાર નક્કી કરાયા નથી. જણાવી દઈએ કે મહાયુતિમાં બીજેપી, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.
બીજેપીના 146 ઉમેદવારો ઉપરાંત શિવસેનાએ હજુ સુધી 65 અને એનસીપીએ 49 સીટો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ આજે સોમવારે ઠાણે જિલ્લાના કોપરી-પચપખાડી વિધાનસભા ક્ષેત્રમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે.
શિંદે સામે શિવસેનાના (યુબીટી)એ આ બેઠક પરથી ઠાણેના કદાવર નેતા દિવંગત આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘેને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરવાનો છેલ્લો દિવસ મંગળવાર છે. તે પહેલાં સોમવારે ઉપમુખ્યમંત્રી અને રાકાંપાના પ્રમુખ અજિત પવારે બારામતી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.
જ્યારે મહા વિકાસ આઘાડીએ અત્યાર સુધીમાં 259 બેઠકો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી છે અને 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાના બાકી છે. MVAમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBT અને શરદ પવારની NCPSP સામેલ છે. શિવસેના યુબીટીએ 84, કોંગ્રેસે 99 અને એનસીપીએસપીએ 76 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
ભાજપે મહારાષ્ટ્રની નાગપુર-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સુધાકર કોહલે અને નાગપુર-ઉત્તર બેઠક પરથી મિલિંદ પાંડુરંગ માનેને મેદાનમાં ઉતાર્યા છે. બોરીવલીના વર્તમાન ધારાસભ્ય સુનીલ રાણેના સ્થાને સંજય ઉપાધ્યાયને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે મુર્તિજાપુરથી હરીશ મારોતીઅપ્પા પિંપલે, કરંજથી સાઈ પ્રકાશ ડહાકે, તેઓસાથી રાજેશ શ્રીરામ વાનખેડે અને મોરશીથી ઉમેશ યાવલકરને મેદાનમાં ઉતાર્યા છે, પાર્ટીએ સુમિત કિશોર વાનખેડેને અરવી વિધાનસભા બેઠક પરથી, ચરણ સિંહ ઠાકુરને કાટોલથી, આશિષ દેશમુખને, સાવનથી પ્રેરકને મેદાનમાં ઉતાર્યા છે.
નાગપુર સેન્ટ્રલથી દટકેને ટિકિટ આપવામાં આવી છે. સુમિત વાનખેડે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ આસિસ્ટન્ટ (PA) છે. ભાજપે વર્સોવાથી વર્તમાન વિધાનસભ્ય ભારતી લવેકરને અને ઘાટકોપર પૂર્વથી પરાગ શાહને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે.
જોકે અગાઉ એવી અટકળો હતી કે બંનેની ટિકિટ કપાઈ શકે છે. અર્ચના શૈલેષ પાટીલ ચાકુરકરને લાતુર સિટી મતવિસ્તાર માટે ટિકિટ આપવામાં આવી છે, જે જૂના ચહેરાઓ પર વિશ્વાસ મૂકવાની સાથે કેટલાક નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની ભાજપની વ્યૂહરચના દર્શાવે છે. ભાજપે વસઈથી સ્નેહા પ્રેમનાથ દુબે, અરણી (ST)થી રાજુ નારાયણ તોડસમ અને દહાણુ (ST)થી વિનોદ સુરેશ મેધાને ટિકિટ આપી છે.