કેન્દ્રની ભાજપ સરકાર જ્યારથી સત્તા પર આવી છે, ત્યારથી અત્યાર સુધી છેલ્લા 7.5 વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોદી સરકારે દેશને આર્થિક કટોકટીમાં ધકેલી દીધો છે. આજે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહિતની ચીજ વસ્તુઓમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના પગલે આમ જનતાનું જીવન મુશ્કેલ બન્યું છે. તેવો ગંભીર આક્ષેપ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદ મનીષ તિવારીએ કર્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને સાંસદ મનીષ તિવારી શુક્રવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, કેન્દ્રમાં જ્યારે મનમોહનસિંઘની સરકાર હતી, ત્યારે દસ વર્ષમાં ૨૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા હતા.
તેવું કેન્દ્રીય બજેટ ભાષણમાં ભાજપના નાણામંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લા સાડા સાત વર્ષમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ત્યારે ૨૩ કરોડ લોકો ફરી પાછા ગરીબીરેખાની નીચે જતા રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારની ખોટ ૩૨ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકાર દેવાળીયા થવાની રેખા પર પહોંચી ગઈ છે. આ લગભગ પહેલી એવી સરકાર છે જેણે આઝાદ ભારતના છેલ્લા ૭૦ વર્ષમાં સતત ૭ વર્ષમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીના માધ્યમથી પેટ્રોલ – ડીઝલ અને એલપીજી પર કર લગાવ્યો છે.
મનીષ તિવારીએ વધુમાં કહ્યું હતુ કે યુપીએની સરકાર હતી કાચા તેલની જો એવરેજ કિંમત હતી તે ૧૦૦ ડોલર પ્રતી બેરલ હતી અને એ સમયે પેટ્રોલ ૫૦ રૂપિયા વેચાતું હતું અને પાછળના સાડા સાત વર્ષમાં કાચા તેલની કિંમત જે એવરેજ ૫૦ ડોલર રહી છે જે તેલ ૧૦૦ રૂપિયામાં વેચાય છે. આ કેવી વિડંબણા છે. આ કેવુ સુશાસન છે ? આ કેવા સારા દિવસો છે ?
એનો અર્થ એ છે કે જે એન.ડી.એ. ભાજપની સરકાર છે, તેને ભારતની અર્થવ્યવસ્થા બીલકુલ ચલાવતા જ નથી આવડતી, અને આ કોઈ કોવિડના લીધે નથી થયું. આ ભારતની અર્થ વ્યવસ્થાનો સંહાર નોટબંધીથી શરૂઆત થઈ ગયો છે, અને ત્યારબાદ જી.એસ.ટી. લાદવામાં આવ્યો, ત્યારબાદ ખપત ઓછી થઈ હતી તેને વધારવાની જગ્યાએ મોટા મોટા ઉદ્યોગપતિઓને ટેક્સમાંથી રાહતનો નફો આપવામાં આવ્યો છે, આમ દેશને દેવાના ડુંગર નીચે ધકેલી દીધો છે.