નવી દિલ્હી: બિગ બોસ (BigBoss) OTT વિનર બન્યા બાદ લાઈમલાઈટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવ (ElvishYadav) મુશ્કેલીમાં છે. નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલો છે. એલ્વિશ યાદવે તમામ આરોપોને ફગાવતા ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો છે.
મળતી માહિતી મુજબ એલ્વિશ પર દાણચોરી અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. આ સાથે તે દાણચોરી સાથે પણ સંકળાયેલો હોવાની વિગતો બહાર આવી છે. એક NGOએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને નોઈડા પોલીસમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે નોઈડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર, નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસને અહીંથી 5 કોબ્રા મળી આવ્યા છે અને સાપનું ઝેર પણ મળી આવ્યું છે. જ્યારે પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવનું નામ પણ સામે આવ્યું. પોલીસે એલ્વિશ વિરુદ્ધ FIR નોંધી છે.
એલ્વિશ યાદવે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આમાં તે કહેતો જોવા મળે છે, ‘હા મિત્રો, હું તમારો એલ્વિશ યાદવ છું. હું સવારે ઉઠ્યો અને જોયું કે કેવી રીતે મારા વિરુદ્ધ સમાચાર ફેલાયા હતા. મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા કે એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં આવી છે, એલ્વિશ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. મારા પરના તમામ આરોપો પાયાવિહોણા છે. બધા નકલી છે, તેમાં એક ટકા પણ સત્ય નથી.
FIRની કોપી મુજબ આરોપીઓમાં એલ્વિશ યાદવનું નામ પણ નોંધાયેલું છે. પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ એફઆઈઆર નોંધાવી છે. ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર નોઈડામાં આવી ગતિવિધિઓની માહિતી મળી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે યુટ્યુબર એલ્વિશ યાદવ કેટલાક લોકો સાથે નોઈડા-એનસીઆરના ફાર્મ હાઉસમાં સાપના ઝેર અને જીવંત સાપ સાથે વીડિયો શૂટ કરે છે. આ સાથે ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાની પણ માહિતી મળી હતી.
પાંચ આરોપીઓની ધરપકડ
માહિતીના આધારે એક બાતમીદારે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો હતો. એલવીશે રાહુલ નામના એજન્ટનો નંબર આપ્યો અને કહ્યું હતું કે મારું નામ આપશો તો વાતચીત થઈ જશે. ત્યાર બાદ બાતમીદારે રાહુલનો સંપર્ક કર્યો અને તેને પાર્ટીનું આયોજન કરવા કહ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ વન વિભાગના અધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી. 2 નવેમ્બરના રોજ આરોપી સાપ લઈને સેવરોન બેન્ક્વેટ હોલમાં પહોંચ્યો હતો. દરમિયાન વન વિભાગની ટીમે પોલીસની મદદથી આરોપીને પકડી લીધો હતો. પોલીસે દિલ્હીથી પાંચ લોકોની ધરપકડ કરી છે, જેમની ઓળખ રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથ તરીકે થઈ છે.
પોલીસના દરોડામાં આ સાપ મળી આવ્યા
પોલીસના દરોડામાં પાંચ કોબ્રા, એક અજગર, બે લાંબી પૂંછડીવાળા સાપ અને એક ઘોડાની પૂંછડીવાળો સાપ તેમજ સ્નેક વેનમ મળી આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ સહિત છ નામના અને કેટલાક અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ગેંગ સાથે એલ્વિશ યાદવની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.