બીલીમોરા: (Bilimora) બીલીમોરા નગરપાલિકા દ્વારા નવા વર્ષના પ્રારંભે નગરજનો માટે બર્ડ પાર્કની (Bird Park) ભેટ આપવામાં આવી છે. જેની લોકાર્પણવિધિ ગણદેવીને ધારાસભ્ય (MLA) નરેશ પટેલના હસ્તે ગુરુવારે કરવામાં આવી હતી. 30 જેટલી પ્રજાપતિના પક્ષીઓમાં (Birds) ગ્રીન મકાઉ, બ્લુ ગોલ્ડ મકાઉ, સાથે આફ્રિકન લવબર્ડસ (Love Birds) વગેરે પક્ષીઓ અહીં તમારી આસપાસ ઉડતા જોઈ શકાશે.
14 માં નાણાપંચની સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી બીલીમોરા નગરપાલિકા સોમનાથ વોટર વર્ક ગાર્ડનને નવીનીકરણ કરી બર્ડ પાર્ક સાથે કેન્ટીન અને રેસ્ટ હાઉસનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા 33.75 લાખના ખર્ચે વિશાળ પાંજરાઓમાં પક્ષીઓની જુદી જુદી 30 પ્રજાતિના 255 જેટલા પક્ષીઓને કુદરતી વાતાવરણમાં વિહાર કરતાં જોવાનો આનંદ નગરજનો 5 જાન્યુઆરી 2023 થી માણી શકશે.
30 જેટલી પ્રજાપતિના પક્ષીઓમાં ગ્રીન મકાઉ, બ્લુ ગોલ્ડ મકાઉ, સાથે આફ્રિકન લવબર્ડસ, આફ્રિકન ગ્રે પેરેટ, જાવા સ્પેરો, સન કનુર પેરેટ, બ્લુ ગ્રીન ચીક પેરેટ, બર્ડ પાર્કનું આકર્ષક બની રહેશે. પાર્કની એન્ટ્રી ફી રૂ. 30 રાખવામાં આવી છે અને તેનું સંચાલન આદિત્ય દેસાઈ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું કે સોમનાથ દાદાના દર્શનનું બીલીમોરામાં ખૂબ મોટું મહત્વ છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને બર્ડ પાર્કની વધારાની સગવડથી ભક્તો ભાવવિભોર થઈ જશે. જોકે તેમને ગાર્ડનની સજાવટથી પ્રભાવિત થઈને તેને ચોખ્ખું રાખવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
તાપી જિલ્લામાં પક્ષીઓના વિહાર કરવાના સમયે પતંગ ન ઉડાવવા વન વિભાગની અપીલ
વ્યારા: તાપી જિલ્લા વન વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા માટે નાગરિકો માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. પક્ષીઓના વિહરવાનો સમય વહેલી સવારે અને સાંજે હોય છે. ઉત્સવપ્રેમીઓએ સવારે ૦૯ વાગ્યા પહેલા અને સાંજે ૦૫ વાગ્યા પછી પતંગ ન ઉડાવવા અપીલ કરાઇ છે. પતંગ ઉડાડવા ચાઈનીઝ તથા કાચની દોરીનો ઉપયોગ ન કરવા,કોઇપણ વ્યક્તિ જો ચાઈનીઝ દોરી વેચતો માલૂમ પડે તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરવા, ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. જો કોઈ પક્ષી ઘાયલ જણાય તો તેની સારવાર કરવા માટે હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર “Karuna” વોટ્સઅપ કરીને મદદ મેળવી શકાય છે.