Gujarat Main

સી.આર. પાટીલના માથેથી મોટી ઘાત ટળી, અમદાવાદ એરપોર્ટ પર એવી ઘટના બની કે…

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપને (BJP) 156 બેઠકો પર જીત અપાવીને ઈતિહાસ રચનારા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR Patil) સાથે સોમવારે અપ્રિય ઘટના બની હતી. સી.આર. પાટીલ સુરતથી અમદાવાદ સિંગલ એન્જિનવાળા 9 સીટર પ્લેનમાં આવી રહ્યાં હતાં ત્યારે હવામાં કંઈક એવું બન્યું હતું કે જેના કારણે પ્લેનમાં બેઠેલા સી.આર. પાટીલ સહિતના 9 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

ઘટના એવી બની કે સીઆર પાટીલના પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે અકસ્માત નડ્યો હતો. પાટીલનું પ્લેન લેન્ડ કરી રહ્યું હતું ત્યારે અમદાવાદ એરપોર્ટના આકાશમાં પ્લેન સાથે પક્ષી અથડાયું હતું. બર્ડહીટની (Bird Hit) આ ઘટનાના લીધે પાયલોટ સહિત બધા ગભરાઈ ગયા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

સીઆર પાટીલ સોમવારે ખાનગી એરલાઈન્સ વેન્ચુરા એર કનેક્ટના સિંગલ એન્જિન 9 સીટર પ્લેનમાં સવાર થઈને સુરતથી અમદાવાદ રવાના થયા હતા. પાટીલ સાથે પ્લેનમાં અન્ય 8 લોકો બેઠાં હતા. પ્લેનના લેન્ડિંગ સમયે વિમાન રનવેથી માત્ર 500 મીટર ઊંચે હતું, ત્યારે બર્ડહીટની ઘટના બની હતી. આ પ્લેન સવારના સમયે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. આ સમયે વાતાવરણમાં ધુમ્મસને કારણે લો વિઝિબિલિટી હતી, જેથી અચાનક પ્લેન સાથે સમડી ટકરાઈ હતી. આ બાદ પાયલટે એટીસીને બર્ડહીટની સૂચના આપી હતી. આ ઘટના બાદ પાયલોટે પ્લેનને સુરક્ષિત લેન્ડ કરાવ્યુ હતું. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

વિમાનને કોઈ નુકસાન થયું નથી
વિમાન સહીસલામત અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યાર બાદ બર્ડ હીટના લીધે પ્લેનને કોઈ નુકસાન થયું છે કે નહીં તે માટે સેફ્ટી ચેક કરાયું હતું. જોકે, વિમાનને કોઈ જ નુકસાન થયું નહોતું. એરલાઇન્સે પણ આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે બર્ડહિટ બાદ ફલાઇટમાં સવાર તમામ 9 પેસેન્જર સુરક્ષિત હતા. બર્ડહિટનો રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને કરાયો હતો. બાદમાં એરક્રાફ્ટને સંપૂર્ણપણે ચેક કરી સાંજે 5 વાગે અમદાવાદથી સુરત માટે રવાના કરાયું હતું. તમને જણાવી દઈએ કે ખાનગી એરલાઈન્સ વેન્ચ્યુરા એર કનેક્ટે ગઈ તા. 1 જાન્યુઆરીથી અમદાવાદ-સુરત વચ્ચે 9 સીટર નોન શેડ્યૂલ ફલાઈટ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર દોઢ મહિનામાં બર્ડહિટની આ બીજી ઘટના નોંધાઈ છે.

Most Popular

To Top