Gujarat Main

વાવાઝોડું 15મી જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા: દરિયામાં ભારે કરંટ

નવી દિલ્હી: વાવાઝોડા બિપોરજોયની દિશા ફંટાવાની હવે કોઈ શક્યતા દેખાતી નથી. આ તોફાની પવનો સાથેનું ભયાનક વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આવી રહ્યું છે. તે આવતીકાલે 15મી જૂને સાંજે જખૌ બંદર પર લેન્ડફોલ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું જમીન પર આવે ત્યારે તેની ઝડપ 150 કિ.મી. સુધી હોવાની શક્યતા જોતા ભારે વિનાશ વેરે તેવું માનવામાં આવી રહ્યું છે.

હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 5 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં દરિયા કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. 

વાવાઝોડા (Cyclone) બિપોરજોયમાં (Biporjoy) ભારે નુકસાન કરવાની શક્યતાઓ પડેલી છે અને તે ગુજરાતના (Gujarat) કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓને સૌથી વધુ અસર કરી શકે છે એમ ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું.

  • બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં ભારે નુકસાન કરી શકે છે: હવામાન વિભાગ
  • કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી 10-12 ઇંચ અતિભારે વરસાદ થઇ શકે, પૂરનો ભય
  • ઉભા પાક, ઘરો, રસ્તાઓ, વિજળી અને ટેલિફોનના થાંભલાઓ વગેરેને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે નુકસાન થવાનો ભય
  • ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર જેવા અન્ય પ્રસિદ્ધ સ્થળોની સ્થિતિ પર ચાંપતી નજર રાખવાની ભલામણ

બિપારજોય, કે જેનો ઉચ્ચાર બિપોરજોય એવો થાય છે તે નબળું પડીને અત્યંત તીવ્ર વાવાઝોડામાંથી ઘણા તીવ્ર વાવાઝોડામાં ફેરવાયું હતું . એવી આગાહી કરવામાં આવે છે કે તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચેથી ગુજરાતના જખૌ બંદર નજીકથી ૧૫મી જૂને સાંજે ઘણા તીવ્ર વાવાઝોડાના તોફાન તરીકે પસાર થશે અને જેમાં પવનની મહત્તમ ઝડપ કલાકના ૧૨૫થી ૧૫૦ કિમીની હોઇ શકે છે. તેની નુકસાન કરવાની શક્યતા અત્યંત હોઇ શકે છે એમ ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

આ વાવાઝોડાને કારણે અતિભારે વરસાદ(૨૦ સેમી કરતા વધુ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં ૧૩ જૂનથી ૧૫ જૂન સુધીમાં થઇ શકે છે. જો આ વિસ્તારો ૨૫ સેમી કરતા પણ વધુ વરસાદ મેળવે તો અમને આશ્ચર્ય થશે નહીં. સામાન્ય રીતે વર્ષના આ સમયે આ વિસ્તારો આટલો વરસાદ મેળવતા નથી તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર સર્જાવાનું પણ જોખમ છે એવી તેમણે ચેતવણી આપી હતી. રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

આ તમામ જિલ્લાઓમાં ૧૫ જૂનના રોજ કલાકના ૧૪૫ કિમીની ઝડપના પવનો ધમરોળી શકે છે. તોફાની પવન અને વરસાદ ઉભા પાક, ઘરો, માર્ગો, વિજળી અને સંદેશવ્યવહારના થાંભલા વગેરેને ભારે નુકસાન પહોંચાડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં છ મીટર જેટલા ઉંચા ભરતીના મોજાનું પાણી ઘૂસી જઇ શકે છે. અમે આવા વિસ્તારોની વસ્તીનું સ્થળાંતર કરાવવાની ભલામણ કરીએ છીએ એ મુજબ મોહાપાત્રાએ જણાવ્યું હતું.

હવામાન ખાતાએ વિશ્વમાં એશિયાટીક સિંહોના એકમાત્ર જાણીતા રહેઠાણ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર જેવા અન્ય પ્રસિદ્ધ સ્થળોની સ્થિતિ પર ચાંપતી નજર રાખવાની ભલામણ કરી છે.

Most Popular

To Top