કિરણ મજુમદાર ભારતમાં બાયોટેક અને તેને સંલગ્ન બિઝનેસમાં અત્યારે મોટું નામ છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે પુરુષપ્રધાન દેશમાં તેમને શ્રેષ્ઠ એન્ત્રોપ્રેન્યોર બનતા કેવા પડકારનો સામનો કરવાનો આવ્યો ત્યારે તેમનો જવાબ બહુ જ સુંદર હતો. તેમણે કહ્યું કે તમારા વિચારો જ તમને બધાં કરતાં અલગ તારવશે. તમારે એ વિચારવું જ નહિ કે તમે શું છો. તમે એક ઉમદા માનવી છો અને તમે કંઈ સર્જન કરવા માટે જ બન્યા છો. બાયોટેક ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવનાર કિરણ મજમુદારનું નામ ભારતમાં લોકપ્રિય અને સફળ વુમન એન્ત્રોપ્રેન્યોર તરીકે ખૂબ જાણીતું છે. બાયોકોન નામની કંપનીના તેઓ વડાં છે. બાયોટેકનું ફિલ્ડ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું નોખું છે. ભારત હજી પણ આ ફિલ્ડમાં દુનિયા કરતાં પાછળ છે છતાં પણ આખું વિશ્વ કિરણ મજમુદારના પ્રદાનની નોંધ લઇ રહ્યું છે. તાજેતરમાં વુમન એન્ત્રોપ્રેન્યોરશીપ અને તેની સફળતા વિષે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ સીધો અને સરળ હતો. તેમના મત મુજબ મહિલા ઉદ્યોગ સાહસિકોએ ત્રણ વસ્તુ કરવી જોઈએ, એક કોઈના પર ડીપેન્ડ થવાની જગ્યાએ પોતાના પર આત્મવિશ્વાસ રાખવો, બીજું માર્કેટિંગ અને ઇનોવેશનમાં બધાં કરતાં અલગ રહેવું અને ત્રીજું ટીમને લીડ કરતા શીખવું.
વિશ્વની એક જાણીતી કંપનીએ તાજેતરમાં વુમન એન્ત્રોપ્રેન્યોરશીપ વિષે ડેટા પ્રસિદ્ધ કર્યા જે ભારતમાં કાર્યરત વુમન એન્ત્રોપ્રેન્યર્સ માટે કદાચ નિરાશજનક દેખાશે પરંતુ સાથે સાથે વધુ તકવાળા પણ છે. આખી દુનિયામાં લઘભગ 13 કરોડ વુમન એન્ત્રોપ્રેન્યર્સ છે, જેમાંથી ભારતમાં નાનામોટા થઈને માત્ર 50 લાખ જેટલા વિમેન એન્ત્રોપ્રેન્યર્સ છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં 30% વુમન ઓર્ગનાઈઝ્ડ સેક્ટરમાં છે જયારે ભારતમાં વુમન એન્ત્રોપ્રેન્યર્સ 24% ઓર્ગનાઈઝ્ડ સેક્ટર્સમાં છે. ભારતમાં પુરુષોની સામે ફક્ત 13% જ વુમન ટોપ મેનેજમેન્ટની લીડરશીપ પોઝિશનમાં છે. જયારે ડેવલોપીંગ કન્ટ્રીઝમાં આની સંખ્યા 40%થી વધારે છે.
કિરણ મજમુદારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે પહેલાં મહિલા બિઝનેસ કરવાની વાત કરે ત્યારે ભવાં ચડી જાય પરંતુ હાલના સમયની વાત કરવામાં આવે તો વુમન એન્ત્રોપ્રેન્યોર બિઝનેસમાં ડંકો વગાડી રહ્યાં છે. નવા અને નવા વુમન સ્ટાર્ટ- અપ આવી રહ્યાં છે. ભારતમાં વુમન એન્ત્રોપ્રેનર બનવું એક પડકાર એટલા માટે છે કે ભારતીય સમાજ મુખ્યત્વે પુરુષ પ્રભાવી સમાજ છે. હજી પણ ગવર્મેન્ટ કે ખાનગી સંસ્થાઓમાં ચાવીરૂપ પોઝિશનમાં પુરુષોનો દબદબો છે પરંતુ સારી બાબત એ છે કે આ સિનારિયો ચેન્જ થવા માંડ્યો છે.
હવે મહિલાઓની સારી પોસ્ટ પર નિમણૂક થવા માંડી છે, એટલું જ નહિ મહિલાઓ એક સારા લીડર તરીકે પ્રસ્થાપિત થવા માંડી છે. અમુક ફિલ્ડમાં તો મહિલાઓ પુરુષો કરતાં સમોવડી જ નહિ પરંતુ ચડિયાતી બને છે. ભારતીય સમાજમાં મહિલાઓએ ઘર અને ઓફિસ એમ બન્ને બેવડી જવાબદારીઓ નિભાવવી પડે છે. મહિલાઓ મેનેજમેન્ટમાં વધારે પાવરફુલ હોય છે. સર્વિસ સેકટર્સમાં મહિલાઓનો દબદબો પ્રશંસનીય છે. જો તમે એક મહિલા તરીકે મજબૂત વિચારવાળા હો અને તમને દુનિયાને કંઈક નવું આપવાની ઈચ્છા હોય તો તમારા માટે વિશ્વના દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે. જરૂર છે કે તમે સમાજને નવું આપો અને એવો બિઝનેસ કરો કે તમે કોઈકની જિંદગીમાં પ્રદાન કરી શકો.
કહેવાનું તાત્પર્ય એ જ છે કે તમે મહિલા હો કે પુરુષ ઉદ્યોગ સાહસિક હો તમારા વિચારો, તમારી માનસિક મજબૂતાઈ અને તમારી મહેનત તમને શ્રેષ્ઠ એન્ત્રોપ્રેન્યોર બનાવશે. ભારતની સામાજિક વ્યવસ્થાને લીધે કદાચ મહિલા ઉદ્યોગ સાહસિકોને વધારે કામ કરવું પડશે પરંતુ એનો એવો અર્થ નથી કે આ જ કારણ તેમને આગળ આવતા રોકી શકે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ભારત સરકારે પણ વિવિધ લાભો પ્રદાન કર્યા છે. જો તમે થોડી માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરશો તમને બધું જ મળી શકશે. જો તમે લોકોને પ્રેરણા આપી શકો તો સમજી લો કે તમે સારા લીડર અને શ્રેષ્ઠ એન્ત્રોપ્રેન્યોર બની શકશો તેમાં બે મત નથી.