આણંદ : આંકલાવ તાલુકાના ભેંટાસી વાંટા ગામે આવેલી વૈશાલી ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી ફ્યુલ ઓઇલના નામે વેચાતા બાયોડિઝલનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ દરોડામાં બાયો ડિઝલ ઉપરાંત અન્ય જ્વલંનશીલ કેમિકલ પણ પકડાયું હતું. જે તમામ મુદ્દામાલ સીઝ કરી ફેક્ટરીના માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આંકલાવ તાલુકાના ભેંટાસી વાંટા ગામે આવેલી વૈશાલી ઇન્ડસ્ટ્રીઝના માલીક સનત કાંતિભાઈ પ્રજાપતિ (રહે.રાધા પાર્ક, સરદારગંજ, આણંદ) છેલ્લા કેટલાક સમયથી ફ્યુલ ઓઇલના નામે ગ્રાહકોને બળતર તરીકે બાયોડિઝલ વેચતાં હતાં.
જેની બાતમી સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરીની ટીમના હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહને મળતાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં મળી આવેલા વિવિધ જ્વલનશીલ કેમિકલ મળી આવ્યાં હતાં. જેના ઉપયોગથી હાનીકારક વાયુ ફેલાય છે. જે સરવાળે પર્યાવરણને નુકશાન કરે છે. તપાસ કરતાં કંપનીના શેડ નજીક ખુલ્લામાં 14 અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક બનાવવામાં આવી હતી. જે ટેન્કમાં જુદી જુદી માત્રામાં લો એરોમેટીકલ, નાઇન સોલવન્ટ, મીનરલ ટર્પેન્ટાઇન ઓઇલ, ઇન્ડસ્ટ્રીઝ ફ્યુલ ઓઇલ, એલડીઓ, રો મટીરીયલ ઓઇલ સીગ્મ સીન્થેટીક થર્મીક ફ્યુઅલ, કાળુ ચીકણું પ્રવાહી મળી કુલ 1,94,344 લીટર કિંમત રૂ.93,888,848નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સનતભાઈ ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ ઓઇલના નામે ગ્રાહકોને બળતણ માટે ઇંધણ તરીકે વાપરવા સારુ કેમીકલ તૈયાર કરી આપી બળતણના ઉપયોગથી લોકોની શારીરિક સલામતી જોખમાય તે રીતે હવાનું પ્રદુષણ થાય તથા હવાને તંદુરસ્તી માટે હાનિકારક બને તેમજ સળગી ઉઠે તેવા રો મટીરીયલ પોતાની કંપનીમાં જુદી જુદી ટેન્કોમાં સ્ટોર કરી આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી દાખવી હતી. આથી, સનત પ્રજાપતિ સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આંકલાવ પોલીસને સોંપવામાં આવી છે.