આરોગ્ય અને શિક્ષણ સેવા નિ:શુલ્ક હોય તે શાસન આદર્શ અને શ્રેષ્ઠ કહેવાય. રાજસત્તા ઉપરાંત ધનિક નાગરિકો પણ તેમાં ભરપૂર ગુપ્તદાન કરે તો સાચો માનવધર્મ સ્થપાય. લાખો રૂપિયા ખર્ચવાની શકયતા ન હોય ત્યારે તેજસ્વી યુવાધન વેડફાય છે. દાતાઓને પ્રશંસા, પ્રસિદ્ધિ જોઇએ છે ત્યારે એક મહિલા જીવનનાં અંતિમ વર્ષોમાં અબજ ડોલરનું ગુપ્ત દાન કરી જાય તે ગજબની ઘટના ગણાય. અમેરિકાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિન શિક્ષણ જગતમાં ઉચ્ચતમ સ્થાન ધરાવે છે, તેની વાર્ષિક ફી ઓગણસાંઠ હજાર ડોલર જનસાધારણનાં સંતાનોને પોષાય તેમ ન હતી.
સમૃદ્ધ લાયબ્રેરી, વિદ્વાન પ્રોફેસરોની ફેકલ્ટી, અદ્યતન લેબ, સંશોધનનું આદર્શ, ઇન્ફ્રાસ્ટ્રકચર, કલ્ચર, છાત્રોની જરૂરત જેટલી જ સંખ્યા વગેરે કારણોસર શિક્ષણ મોંઘું બને છે. આમ છતાં ત્યાં આપણી જેમ રાજકીય સાંઠગાંઠ સાધીને ત્યાં શિક્ષણને ધંધો નથી બનાવી દેતા. એક નિવૃત્ત મહિલા પ્રોફેસર આયુષ્યની સદીની નજીક હતી, તેને દિવંગત પતિ તરફથી અબજ ડોલરનો વારસો એ રીતે મળ્યો હતો કે તે મહિલારુથ ગોટેસ્માન તેની મરજી મુજબ ખર્ચ કરી શકે.
આઇન્સ્ટાઇન કોલેજને ગુપ્ત દાનની શરતે રુથે પોતાના વારસાની તમામ રકમ અર્પણ કરી દીધી. સાથે એવી ઇચ્છા વ્યકત કરી કે તમામ વિદ્યાર્થીઓને કોઇ પણ જાતના ભેદભાવ કે શરત વિના મફત શિક્ષણ આપવામાં આવે. દાતાના નામની તકતી કે કોઇ પણ રીતે નામોલ્લેખ ન થાય. દાતાના નામે અલાયદી જમીન ખરીદીને કોઇ ડિપાર્ટમેન્ટ કે કોઇ સંકુલ કે ટ્રસ્ટ ન સ્થપાય. આદર્શ અને ઉચ્ચ શિક્ષણ સૌ સુપાત્ર વિદ્યાર્થીઓને ડિગ્રી મળે ત્યાં સુધી મફત મળતું રહે. આ મહિલાએ પોતાના પરિવાર, જ્ઞાતિ કે ઓળખ ધરાવનાર માટે કેટલીક અનામત બેઠકો માટે ય આગ્રહ રાખ્યો નહીં. લાખો રૂપિયા ખર્ચીને બનેલો ડોકટર સમાજમાં ઊંચી ફી અને ચાર્જીસ વસૂલે તેમાં નવાઇ ન હોય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.