બીલીમોરા : બીલીમોરાથી મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા જાંબુવા સુધીની ડીલક્ષ એક્સપ્રેસ બસનો પ્રારંભ નિયામકના હસ્તે કરાતા લાંબા સમયની મુસાફરોની માગણી સંતોષાય છે.
બીલીમોરા ડેપોથી જાંબુવા સુધીની ડીલક્ષ એક્સપ્રેસ બસનો પ્રારંભ કરાયો છે. વિભાગીય નિયામક સંજય જોશીના હસ્તે ડેપો મેનેજર એમ.કે.રાઠોડ તથા અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં બસને ફૂલોથી શણગારી જાંબુવા માટે રવાના કરાઇ હતી. બીલીમોરાથી જાંબુવા સુધીના 415 કિલોમીટરના પ્રવાસ માટે 225 રૂપિયાનું ભાડું નિર્ધારીત કરાયું છે. આ બસની લાંબા સમયથી માગણી હતી જે હવે સંતોષાય છે. આ બસ બીલીમોરાથી ઉપડી ગણદેવી, નવસારી, સુરત, અંકલેશ્વર-ભરૂચ (બાયપાસ) થઈ હાલોલ, કાલોલ, ગોધરા, લીમખેડા, દાહોદ, પાંચવાડા, ગરબાડા થઈ જાંબુઆ પહોંચશે.
બીલીમોરાથી સાંજે 7:00 કલાકે ઉપડી બસ બીજા દિવસે સવારે 5:00 વાગ્યે જાંબુવા પહોચશે, જ્યારે સવારે 8:00 કલાકે જાંબુવાથી ફરી ઉપડી સાંજે 6:00 કલાકે બીલીમોરા પરત ફરશે. જોકે હાલમાં આ બસનું ઓનલાઈન કે ઓફલાઈન રિઝર્વેશનની સગવડ હજી ચાલુ નથી કરાઈ. પણ ખૂબ જ ટૂંક સમયમાં રિઝર્વેશનની સગવડ પણ શરૂ કરી દેવામાં આવશે. લાંબા સમયથી બીલીમોરાથી જાંબુઆ, અમરેલી, સારંગપુર, ભુજ, જુનાગઢ, ચાણસ્મા, પાટણ, મહુવા અને દીવ માટે બસોની માંગણીઓ થઇ રહી છે. જે પૈકી બીલીમોરાથી જાંબુઆ બસની સેવા શરૂ થવા પામી છે. ત્યારે બાકીના રૂટો ઉપર પણ વહેલી તકે બસ શરૂ કરાય તો મુસાફરોને પડતી અગવડો દૂર કરી શકાય તેવા પ્રયાસ વિભાગીય નિયામક વહેલી તકે કરે તેવી લોકોની લાગણી સાથે માગણી છે.