Gujarat

બિલકિસ બાનો કેસમાં કેન્દ્ર અને ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી

નવી દિલ્હી: ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારના 7 લોકોની હત્યાના કેસમાં ગયા અઠવાડિયે 11 આરોપીઓને છોડી મુકવાના ગુજરાત સરકારના (Gujarat Government) નિર્ણય પર હવે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કયા નિયમના આધારે દોષિતોને છોડી દીધા તે સવાલ પૂછવા સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) બિલકિસ બાનો કેસમાં (BilkisBanoCase) દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે. હકીકતમાં, ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસમાં તમામ 11 દોષિતોને બંધારણીય અધિકાર હેઠળ મુક્ત કર્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયની ઘણી ટીકા થઈ રહી છે. આ નિર્ણય પર વિપક્ષ તેમજ ભાજપના કેટલાંક નેતાઓએ પણ સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર સુભાશિની અલી સહિત ચાર લોકોએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માંગ કરી છે. આની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું દોષિતોને ગુજરાતના નિયમો હેઠળ મુક્તિ મળે છે કે નહીં? અમારે જોવું પડશે કે છૂટ આપતી વખતે નિયમોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા કે નહીં.

કમિટીની ભલામણ પર ગુજરાત સરકારે આ નિર્ણય ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણો બાદ લીધો હતો, જેમાં બિલ્કીસ બાનો સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. આ કમિટીના રિપોર્ટના આધારે તમામ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા છે.

શું છે મામલો?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. કારસેવકો આ ટ્રેન દ્વારા અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. જેના કારણે કોચમાં બેઠેલા 59 કાર સેવકોના મોત થયા હતા. આ પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. રમખાણોથી બચવા માટે, બિલ્કીસ બાનોએ તેની પુત્રી અને પરિવાર સાથે ગામ છોડી દીધું હતું. 3 માર્ચ 2002 ના રોજ, 20-30 લોકોના ટોળાએ તલવારો અને લાકડીઓથી હુમલો કર્યો જ્યાં બિલકિસ બાનો અને તેનો પરિવાર છુપાયો હતો. ટોળાએ બિલ્કીસ બાનો પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલ્કીસ 5 મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. જ્યારે બાકીના 6 સભ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ દોષિતોની મુક્તિ આ કેસમાં સીબીઆઈ કોર્ટે 11ને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ હવે ગુજરાત સરકારના નિર્ણય બાદ તમામ 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top