નવી દિલ્હી: બિલ્કીસ બાનો કેસમાં (BilkisBanoCase) દોષિતોને વહેલા મુક્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટે (SupremeCourte) પોતાનો ચુકાદો (Verdict) આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે. રાજ્ય આવો નિર્ણય લેવા માટે ‘સક્ષમ’ નથી. કોર્ટે દોષિતોને વહેલા મુક્ત કરવાના આ સમગ્ર કૃત્યને ‘છેતરપિંડીયુક્ત’ ગણાવ્યું હતું.
જસ્ટિસ બીવી નાગરથાના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે, 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારતી બિલ્કિસ બાનોની અરજી સ્વીકારવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને રાજ્યો (મહારાષ્ટ્ર-ગુજરાત)ની નીચલી કોર્ટ અને હાઈકોર્ટે નિર્ણયો લીધા છે. આવી સ્થિતિમાં આમાં કોઈપણ પ્રકારની દખલગીરીની જરૂર જણાતી નથી.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2022 માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલ્કીસના ગુનેગારોને જેલમાં જવું પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આ કોર્ટના મે 2022ના આદેશના આધારે અમે આ નિષ્કર્ષ પર આવ્યા છે. પ્રતિવાદી નંબર 3 એ જાહેર કર્યું ન હતું કે ગુજરાત હાઈકોર્ટે CRPC ની કલમ 437 હેઠળ તેમની અરજી ફગાવી દીધી હતી. પ્રતિવાદી નંબર 3 એ પણ જાહેર કર્યું ન હતું કે અકાળે મુક્તિની અરજી ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, મહત્વના તથ્યો છુપાવીને અને ગેરમાર્ગે દોરનારી હકીકતો ઊભી કરીને દોષિત વતી ગુજરાત રાજ્યને માફી પર વિચાર કરવા માટે નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી.
સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે પાત્ર બન્યો. અગાઉ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે? આ અધિકાર પસંદગીપૂર્વક આપવો જોઈએ નહીં.
આ 11 દોષિતોને સમય પહેલા મુક્ત કરાયા હતા
જસવંત નાયી, ગોવિંદ નાયી, શૈલેષ ભટ્ટ, રાધેશમ શાહ, બિપીનચંદ્ર જોષી, કેસરભાઈ વહોણીયા, પ્રદીપ મોરદહિયા, બકાભાઈ વહોણીયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદના.