બીલીમોરા: (Bilimora) બીલીમોરા ખાડા માર્કેટ નજીક વિઠ્ઠલનગર સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરોએ (Thief) 6 બંધ મકાનને નિશાન બનાવતા ચકચાર મચી હતી. બે મકાનોનાં (House) તાળા તોડી તેમજ ચાર મકાનોમાં બારી ગ્રીલ કાઢી ચોરીને અંજામ આપ્યો હતો. ૧૦ ગ્રામ ચાંદીનો સિક્કો, વાસણ, કપડાં ચોરી ગયાની જાણકારી મળી છે.
- બીલીમોરાના વિઠ્ઠલનગરમાં તસ્કરોનો 6 બંધ મકાનમાં હાથફેરો
- તસ્કરોએ બે મકાનોનાં તાળા તોડી તેમજ ચાર મકાનોમાં બારી ગ્રીલ કાઢી ચોરીને અંજામ આપ્યો
- ભરચક વસ્તી ધરાવતી સોસાયટીમાં એક સાથે 6 મકાનોને નિશાન બનાવતા લોકોમાં દહેશત વ્યાપી
બીલીમોરા પશ્ચિમે એસવી પટેલ માર્ગ ઉપર ખાડા શાકભાજી માર્કેટ નજીક વિઠ્ઠલનગર સોસાયટી આવેલી છે. જેના 6 બંધ મકાનોમાં શનિવારે રાત્રે તસ્કરોએ કસબ અજમાવ્યો હતો. અને હાથ ફેરો કરી જતા ચકચાર મચી હતી. જોકે મકાનો બંધ હોવાથી કેટલાની ચોરી થઈ તેની વિગતો પ્રાપ્ત નથી. બે મકાનોનાં તાળા તૂટ્યા હતા. જેમાં પ્રવેશી તસ્કરોએ ૧૦ ગ્રામ ચાંદીનો સિક્કો, વાસણ અને કપડાં ચોરીને અંજામ આપ્યો હતો.
જ્યારે બીજા મકાનમાંથી અગત્યનાં દસ્તાવેજો અને ઘડીયાળની ચોરી થઈ હતી. જે અંગે પોલીસમાં લેખિત જાણ કરાઈ હતી. જ્યારે અન્ય ચાર મકાનોમાં બારીની ગ્રીલ કાઢી તસ્કરો પ્રવેશ્યા હતા. ભરચક વસ્તી ધરાવતી સોસાયટીમાં એક સાથે 6 મકાનોને નિશાન બનાવતા લોકોમાં દહેશત વ્યાપી હતી. શિયાળો ઠંડી શરૂ થતાં જ ચોર કસબ અજમાવવા મેદાને પડ્યાં છે એટલે પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં વધારો કરે એ જરૂરી છે.