બીલીમોરા: (Bilimora) બીલીમોરાના પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરે (Temple) રવિવારે સાંજે ૩૫૦૧ દિવડાની દિપમાળા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરાઈ હતી. આ અદભુત નજારાનાં દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી.
- બીલીમોરા સોમનાથ મંદિરે ૩૫૦૧ દિવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરાઈ
- અદભુત નજારાનાં દર્શન કરવા ભક્તોની ભીડ જામી
બીલીમોરામાં ભગવાન શિવનું જ્યોતિસ્વરૂપ શિવલિંગ સદીઓ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયું હતું. દિવાળી પર્વે રવિવારે બ્રહ્મમુહૂર્તથી રણકતા ઘંટારવ અને ૐ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે પૂજા, અર્ચના, આરતીનો સેંકડો ભક્તોએ લાભ લીધો હતો. અહીં દિવાળીનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. અને પૌરાણિક દંતકથાઓ પણ છે. રવિવારે સાંજે હિન્દુ ધર્મના પ્રતિક એવા ૩૫૦૧ દિવડાની જ્યોત પ્રગટાવી દિવાળીની અનોખી ઉજવણી કરાઇ હતી. આ દિપમાળાના ભક્તોએ દર્શન કર્યા હતા.
દિવ્ય પ્રકાશથી ઝળહળતી જ્યોત થકી સુખ શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિની કામના કરી હતી. સોમનાથ મંદિરે દિવડાનો પ્રકાશ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દિવાળી નવા વર્ષનાં વધામણાં દર્શન સાથે સેંકડો ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટ પ્રમુખ શિવજીભાઈ પટેલ, દેવચંદ પટેલ, નીતિન ગાંધી, વિનોદ દેસાઈ, જગદીશ મહેતા અને સમગ્ર ટ્રસ્ટી મંડળ, સુરેશભાઈ તલાવીયા, પ્રકાશ મહેતા, કરસન પટેલ તેમજ બ્રાહ્મણ મહાદેવ વ્યાસ સહિત સમગ્ર ટીમ અને ભાવિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.