બીલીમોરા : બીલીમોરા (bilimora) સ્ટેશન માર્ગ (Station Road) ઉપર જહાંગીર ટોકીઝ સામે ગુરૂવાર સાંજે બે આખલાઓ (Two Bull) એ સામસામે શિંગડા ભેરાવતા રાહદારીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. થોડા સમય માટે ટ્રાફિક થંભી ગયો હતો. જોર લડ્યા બાદ હાર સ્વીકારી ભાગી રહેલા આખલા પાછળ જીતેલા આખલાએ દોટ મુક્તા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બીલીમોરા શહેર સહિત સમગ્ર ગણદેવી તાલુકામાં રખડતા ઢોરોની જટિલ સમસ્યા જેમની તેમ જોવા મળે છે. માર્ગ ઉપર અડિંગો જમાવી બેસતા ઢોરોના ધણ અકસ્માતને નોતરી રહ્યા છે.
ટ્રેક પર વારંવાર અકસ્માત સર્જાતા પોલીસની પશુપાલકો સાથે બેઠક
વલસાડ : વલસાડમાં ટ્રેન અડફેટે ઢોર ખાસ કરીને ગૌવંશના અકસ્માતો થઇ રહ્યા છે. તાજેતરમાં જ ડુંગરી પાસે બનેલી ઘટનામાં અનેક ગૌવંશના મોત નિપજ્યા હતાં. જેના પગલે વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચનાથી પારડી પોલીસે પશુ પાલકો સાથે એક બેઠક કરી પશુઓને રેલવે ટ્રેકથી દુર રાખવાની સૂચના આપી હતી.
વલસાડમાં ડુંગરી બાદ અતુલમાં પણ રેલવે ટ્રેક પર ચાલતા ઢોર અથડાવાની ઘટના બની હતી. અતુલમાં ઢોર વંદે ભારત ટ્રેન સાથે અથડાયા હતા. જેના કારણે વંદે ભારતના આગળના ભાગને નુકશાન થયું હતુ. ત્યારે આ ઘટના બાદ પારડી પોલીસે તકેદારીના ભાગ રૂપે તેમના વિસ્તારના પશુ પાલકો સાથે બેઠક કરી તેમના પશુઓને રેલવે ટ્રેકથી દૂર રાખવાની સૂચના આપી હતી.
પારડીના નેવરી ગામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત
પારડી : પારડી તાલુકાના નેવરી ગામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નેવરી ગામે મંદિર પાસે ટેમ્પો અને મોટરસાયકલ નંબર GJ 15, MM 2151 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોટરસાયકલ ચાલક બાબરખડક ગામના વાડી ફળિયાનો રહેવાસી હતો. જ્યારે ટેમ્પો ડહેલી ગામનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. અકસ્માત અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.