નવસારી, બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીક નાંદરખા ગામે બુલેટ ટ્રેનના (Bullet Train) એલ.એન્ડ.ટી દ્વારા બનાવાયેલા પીલરોની માટી કુદરતી કાસમાં નાખી તેને પૂરી દેવાતા ચોમાસામાં લોકોના ઘર સુધી પાણી ભરાવાની સંભાવનાને કારણે પંચાયતે કાસને ખુલ્લી કરાવવા નવસારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
- બુલેટ ટ્રેનના પીલરોની માટી કાસમાં નંખાતા ચોમાસાનું પાણી લોકોના ઘર સુધી ભરાવાની સંભાવના
- નાંદરખામાં પુરાયેલી કુદરતી કાસને ખુલ્લી કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
નાદરખા ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં તા.14/6/2022 એ મળેલી ગ્રામસભામાં લોકોએ જણાવ્યું હતું કે એલ.એન્ડ.ટી દ્વારા બુલેટ ટ્રેન માટે બનાવાયેલા પીલરોની માટી કુદરતી કાસમાં નાખી તેને પૂરી દેવાઇ છે, જેને કારણે હવે વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કાસમાંથી થશે. જો પુર આવશે તો પુરાઈ ગયેલા કાસમાંથી પાણીનો નિકાલ થશે નહીં. અને લોકોના ઘરોમાં પાણી ફરી વળશે તેવી ચિંતા ગ્રામજનો કરી રહ્યા છે જેથી જિલ્લા પ્રાંત અધિકારી અને જમીન સક્ષમ અધિકારીને ગ્રામસભામાં થયેલી ચર્ચા મુજબ એલ એન્ડ ટી દ્વારા કાચમાં પૂરી દેવાયેલી માટી કઢાવીને ખુલ્લી કરાવી પાણીનો નિકાલ કરવાની માગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
પ્રથમ વરસાદમાં જ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા
બીલીમોરા : બીલીમોરામાં ગુરુવારે સવારે વરસાદ પડતા અસહ્ય બફારા અને ગરમીથી પરેશાન લોકોને રાહત પહોંચી હતી. આટલા સામાન્ય વરસાદમાં રેલવે અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જતા તેનો ઉપયોગ બંધ કરી દેવો પડ્યો હતો. ઉપરાંત બુધવારે હળવા પવન સાથે વરસેલા વરસાદથી બીલીનાકા પાસેનાં વીજપોલ ઉપર કરંટ પસાર થતાં તેને નજીક ઉભેલા વાછરડાને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું. જોકે વીજ પોલને પ્લાસ્ટિકના પાઇપનું આઇસોલેશન કવર લગાડવા છતાં કરંટ લાગ્યો તે સમજી શકાતું નથી.
સામાન્ય કહી શકાય તેવા વરસાદમાં રેલવે અંડર ગ્રાઉન્ડમાં સિઝનનું પ્રથમ પાણી ભરાતા પૂર્વ અને પશ્ચિમમાં આવવા-જવા માટે ઉપયોગમાં લેવાતી આ સગવડ બંધ થઈ ગઈ હતી. પણ બીલીમોરામાં બનાવાયેલા ઓવરબ્રિજને કારણે લોકોને હવે પૂર્વ અને પશ્ચિમમાં આવવા-જવાની પરેશાનીઓથી મુક્તિ મળી ગઈ છે. જોકે અંડરગ્રાઉન્ડમાં સાંજ સુધી પાણી ભરાઈ રહ્યું હતું. જેમાંથી પણ દ્વિચક્કી વાહનચાલકો મેલા પાણીમાંથી પસાર થવાની કોશિશ કરવા જતાં ઘણા વાહનો વચ્ચે ફસાઇ જતા તેવા વાહનચાલકોની હાલત કફોડી થઈ જવા પામી હતી. ગણદેવી મામલતદાર કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમમાં ગુરુવારે 1 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે મોસમનો કુલ વરસાદ 8 મીલીમીટર થયો છે.