બીલીમોરા: (Bilimora) વર્ષ 2023 માં બીલીમોરા રેલવે (Railway) પોલીસમાં (Police) 30 લોકો ટ્રેન હેઠળ કપાઈ જવાથી મોતને ભેટ્યા હતા, તો અન્ય 58 ગુનાઓ પણ રેલવેની હદમાં થયા હતા. જે 30 લોકોના મોત થયા હતાં તેઓની મોત પાછળ આ કારણો સામે આવ્યા છે.
- બીલીમોરા રેલવેનો વિસ્તાર સ્યુસાઈડ હબ બન્યો
- વર્ષ 2023 માં બીલીમોરામાં ટ્રેન અડફેટે 30 લોકોના મોત
- ટ્રેનના પાટા સામે પડતું મૂકવું, ટ્રેન અડફટે, ચાલુ ટ્રેનમાંથી પડી જવુ, પાટા ક્રોસ કરતાં ટ્રેનમાં આવી જવા જેવા બનાવ
- દારૂની હેરાફેરી, પથારાવાળાનું દબાણ, મારામારી, અપહરણ જેવા બીજા 58 ગુના વર્ષ 2023માં નોંધાયા
બીલીમોરા રેલવે પોલીસની ચોકી આઉટ પોસ્ટ ચોકી છે, જે વલસાડ રેલવે પોલિસના કાર્યક્ષેત્રમાં આવે છે. આ પોલીસ ચોકીની હદ બ્રોડગેજની વલસાડ જિલ્લાના ડુંગરીની કાપરી રેલવે ફાટકથી નવસારી જિલ્લાના અંચેલી સુધીની છે. અને તેનો 22 કિલોમીટરનો વિસ્તાર છે. તે સાથે બીલીમોરાથી વઘઇ સુધીની નેરોગેજના બીજા 64 કિલોમીટર મળી 88 km નું અંતર છે. ગત 2023 ના વર્ષમાં ટ્રેન હેઠળ કપાઈ જઈને 30 લોકોના જીવ ગયા હતા. જેમાં ટ્રેનના પાટા સામે પડતું મૂકવા જેવા 16 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 14 લોકોનું ટ્રેન અડફટે આવી જવું, ચાલુ ટ્રેનમાંથી પડી જવુ, પાટા ક્રોસ કરતાં ટ્રેનમાં આવી જવું જેવા કમનસીબ લોકો હતા. જોકે રેલવે ટ્રેક પાસેની ઘણી એવી જગ્યાઓ છે જે સીટી પોલીસની હદમાં આવે છે તેવી ગણદેવી, બીલીમોરા અને ડુંગરી પોલીસની હદ લાગતી હોય તેવા બીજા 25 થી 30 લોકોના પણ ટ્રેન હેઠળ મોત થયા હતા. જેની નોંધ રેલવે પોલીસમાં નથી. બીજી તરફ દારૂની હેરાફેરી, પથારાવાળાનું દબાણ, મારામારી, અપહરણ જેવા બીજા 58 ગુના વર્ષ 2023માં નોંધાયા હતા.
વીતી ગયેલા 2022 ના વર્ષમાં બીલીમોરા રેલવે પોલીસની હદમાં 19 લોકો મોતને ભેટ્યા હતા, તો સીટી પોલીસની રેલવે ટ્રેક પાસે આવેલી હદમાં બીજા 15 મોત રેલવે અકસ્માતને કારણે થયા હતા. દારૂ જુગાર પથારાવાળા, મારામારી સહિત બીજા 35 ગુના વર્ષ 2022 માં બન્યા હતા. આમ 2022 ની સરખામણીમાં વર્ષ 2023 ના વર્ષમાં 11 લોકોના મોત અને બીજા 22 ગુનાઓ વધારે નોંધાયેલા છે. રેલવે હવે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવીને રેલવે ક્રોસિંગ કાયમ માટે મોટાભાગના બંધ કરી રહ્યા છે, પણ રેલવે ટ્રેન સામે પડતું મુકનારા લોકો ઓછા થતા નથી. જેને રોકવા રેલવે કોઈ આયોજન પણ કરી રહ્યું નથી. બીલીમોરામાં વીતી ગયેલા વર્ષ 2023 ના અંતિમ દિવસે અને 2024 ના નવા વર્ષે ટ્રેન હેઠળ 4 જિંદગીનો અંત આવતા હાહાકાર મચી ગયો હતો. જાણે કે બીલીમોરા રેલવેનો વિસ્તાર સ્યુસાઈડ હબ બની ગયો હોય, ચિંતાનો વિષય છે.
મૃત્યુદેહ ક્ષત વિક્ષત હાલતમાં દવાખાને પહોચાડવાની કપરી કામગીરી
બીલીમોરા રેલવે આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કર્મચારીઓની ફરજ દરમિયાન જ્યારે પણ કોઈ ટ્રેન હેઠળ આત્મહત્યા કરે કે અડફેટે આવી જાય તેનો મૃત્યુદેહ ટ્રેક પરથી ક્ષત વિક્ષત હાલતમાંથી એકત્રિત કરીને પોસ્ટમોટર્મ માટે સરકારી દવાખાને પહોચાડવાની ખુબ જ કપરી કામગીરી પણ કરવી પડે છે. ઘણા કિસ્સાઓમાં મૃત્યુદેહને ઉચકી ઘણા બધા કિલોમીટર ચાલીને વાહન સુધી લાવવું પડે છે. જેમાં પણ જો કોઈ અજાણ્યો મૃત્યુ પામ્યો હોય તો વાલી વારસો ન આવે ત્યાં સુધી બોડીને સાચવવા જેવી કપરી કામગીરી પણ પોલીસ કર્મચારીઓ માનવતાના ધોરણે કરતા હોય છે.