બીલીમોરા: (Bilimora) ચીમલા ગામના (Village) ઉપસરપંચ ઉપર કરાયેલા જીવલેણ હુમલામાં પકડાયેલા 8 આરોપીઓને સાથે રાખીને પોલીસે (Police) તેઓને શહેરમાં ફેરવી ગુનેગારોને શાનમાં સમજી જવાનો સંદેશો આપ્યો હતો. ચીખલી નજીકના ચીમલા ગામના ઉપસરપંચ હરીશ પટેલ ઉપર ગઈ તારીખ 27/4/2023 ને મોડી રાત્રે બીલીમોરા રેલવે અંડર પાસમાં 8 જેટલા હુમલાખોરોએ ચપ્પુના અસંખ્ય ઘા કરીને લોહી લુહાણ કરી મૂક્યા હતા.
- ચીમલાના ઉપસરપંચ ઉપર હુમલો કરનારા 8 આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો
- ગુનેગારોને શાનમાં સમજી જવા પોલીસે આરોપીઓને આખા શહેરમાં ફેરવ્યા
- આરોપીઓએ બનાવને કંઈ રીતે અંજામ આપ્યો તે જગ્યાએ લઇ જઇ પંચનામું કર્યું
જે બાદ 8 હુમલાખોરો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ પછી પકડાયેલા આરોપીઓએ બનાવને કઈ રીતે અંજામ આપ્યો હતો તે જગ્યા એ તેઓને સોમવારે સાંજે લઇ જવાયા હતા. આ કારણે ગુનો કરતા ટપોરીઓને પોલીસે શાનમાં સમજી જવા રીકન્સ્ટ્રક્શન કરી બનાવની જગ્યા ઉપર પંચનામું કરાવવામાં આવ્યું હતું. એલસીબી પી.આઈ કોરાટ, બીલીમોરા પીઆઇ ટી.એ.ગઢવી, ગણદેવી પોસઈ સાગર આહીર, ધોલાઈ મરીન પોલીસ પોસઈ પટેલિયા સાથે મોટી સંખ્યામાં જોડાયેલા પોલીસ સ્ટાફે તમામ આરોપીઓને બનાવના સ્થળે લઈ ગયા હતા અને તેઓ દ્વારા આચરમાં આવેલા ગુનાના સ્થળનું પોલીસે પંચનામું કર્યું હતું. બીલીમોરા પોલીસ સ્ટેશનથી સ્ટેશન રોડ થઈ રેલવે અંડર પાસ અને ગોહરબાગ રાજભોગ સુધી પોલીસ કાફલા સાથે આરોપીઓને લઈ જવાયા હતા, જેને જોઈને લોકો પણ અચંબામાં પડી ગયા હતા.
પોલીસની રેડ પડતા 6 ખેપિયા બોટ લઈને દરિયામાં ભાગી છુટ્યા
વલસાડ : વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામે દરિયા મારફતે બોટમાં ઇંગ્લિશ દારૂ લાવીને સગેવગે કરતી વખતે વલસાડ રૂરલ પોલીસની ટીમે રેડ કરતા કિનારેથી રૂ.1.36 લાખનો દારૂ મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી કરનારા 6 જણા બોટ લઈને ભાગી છુટતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી કે, દરિયા મારફતે દારૂ ઉતારવાનો હોય જેના આધારે પોલીસની ટીમે મગોદ ડુંગરીના દરિયા કિનારે રેડ કરતાં બોટમાં આવેલો દારૂ સગેવગે કરનારા ખેપિયાઓ બોટ લઈને દરિયામાં ભાગી છુટ્યા હતા. પોલીસને દરિયા કિનારેથી રૂ.1.36 લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 1,368 સાથે મોપેડ પણ મળી આવી હતી. પોલીસે દારૂ અને મોપેડ મળીને કુલ રૂ.1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બોટમાં દારૂ લાવનાર વલસાડના અટાર ગામે રહેતો સૂરજ ઉર્ફે સુયો ગઘેડો કનુ રાઠોડ, ધર્મેશ નટુ નાયકા, લાલુ અશોક રાઠોડ, ભુનીયો દશરથ, મનીષ ઉર્ફે મિચ્છો અને જયેશ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.