બીલીમોરા: (Bilimora) બીલીમોરાના દેસરામાં રૂપિયા ૩૯.૬૬ કરોડના ખર્ચે ઓવરબ્રિજ (OverBridge) બનીને તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ (Launch) કરવા માટે તંત્રને મુહૂર્ત મળતું નથી. વર્ષોથી પીડાતી દેસરાની પ્રજાને આ ઓવરબ્રિજ જો ખુલ્લો મુકાય તો મોટી રાહત પહોંચે તેમ છે.
- બીલીમોરાના દેસરામાં નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા તંત્રને મુહૂર્ત મળતું નથી
- ઓવરબ્રિજ જો ખુલ્લો મુકાય તો વર્ષોથી પીડાતી દેસરાની પ્રજાને મોટી રાહત પહોંચી શકે
રૂપિયા ૩૯.૬૬ કરોડના ખર્ચે માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા બનાવવામાં આવેલા દેસરાની એલ.સી ગેટ નંબર ૧૦૭ ની ફાટક ઉપર ઓવરબ્રિજનું બાંધકામ જાન્યુઆરી ૨૦૨૧ માં શરૂ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ ૯૦૪ મીટરની લંબાઈ ધરાવે છે, જેની પહોળાઈ ૭.૫૦ મીટર છે. બીલીમોરાના જલારામ મંદિરથી તેનું એક રાઈઝીંગ છે જે દેસરાના સામળા ફળિયા અને વાઘરેચને જોડતો મઢી ગ્રાઉન્ડ પાસે ઉતરતો વાય (Y) આકારનો બ્રિજ બનીને હાલ તૈયાર પડ્યો છે, પણ તંત્રને તેનું લોકાર્પણ કરવાનું મુહૂર્ત મળતુ નથી. વર્ષોથી દેસરા વિસ્તારની પ્રજા પહેલા તો રેલવે ક્રોસિંગ નંબર ૧૦૭ ફાટકને કારણે પરેશાન હતી અને ત્યારબાદ બ્રિજની કામગીરીને લઈને પણ અહીંની પ્રજાએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવે જ્યારે આ બ્રિજ બનીને લગભગ તૈયાર થઈ ગયો છે ત્યારે એક જાણકારી મુજબ દિવાળી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું લોકાર્પણ પણ થવાનું હતું પણ કોઈ કારણસર તે કાર્યક્રમ મૂલતવી રહ્યો હતો. તે પછી પણ તેના લોકાર્પણના કોઈ સંકેતો મળતા નથી. જો આ રેલવે ઓવરબ્રિજનું વહેલી તકે લોકાર્પણ કરી દેવાય તો ધોલાઈ બંદરથી આવતા મોટા વાહનો સરળતાથી વાઘરેજ થઈ બ્રિજ ચઢીને બીલીમોરા અને ચીખલી તરફ આસાનીથી આવજા કરી શકે. જેથી એવા ભારે વાહનોને બીલીમોરા શહેરમાંથી પસાર થવામાંથી મુક્તિ મળે. પણ રૂપિયા ૩૯.૬૬ કરોડના ખર્ચે બનેલો આ ઓવરબ્રિજ હાલ જોવા જઈએ તો બનીને એમને એમ પડી રહ્યો છે.
બ્રિજના છેડે ચોમાસામાં કાયમ માટે પાણી ભરાયેલું રહે છે
વાઘરેચ મઢી ગ્રાઉન્ડ તરફના બ્રિજના ઉતરતા છેડે ચોમાસામાં કાયમ માટે પાણી ભરાયેલું રહે છે, જેનો ઉકેલ હજુ સુધી લાવવામાં આવ્યો નથી. એટલે કે ચોમાસામાં આ તરફ પાણી ભરાવાને કારણે તેનો વપરાશ કરવો મુશ્કેલ બનશે. લોકો ત્યાંથી કઈ રીતે પસાર થશે તેનું માર્ગ અને મકાન વિભાગે કંઈક વિચાર્યું હોય તો સારૂ.