બીલીમોરા: (Bilimora) પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ પરિણીતાને (Muslim Wife) તેના હિન્દુ પતિએ (Hindu Husband_ આડા સંબંધનો વહેમ રાખી જાહેર રસ્તા ઉપર તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી 10 ઘા મારી મોતને ઘાટ ઉતારી (Murder) મોપેડ ઉપર ભાગતા પતિએ બે રાહદારી મહિલાને પણ અડફેટે લઇ પોતે પણ ઘાયલ થયો હતો. છૂટાછેડા સુધી વાત પહોંચતા અને પોતાની ચાર વર્ષની પુત્રીના કબજા બાબતે મનદુઃખ થતાં પતિએ આ હિચકારો હુમલો કરી પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું.
સુરતના સચિનમાં કોમ્પ્યુટર ક્લાસમાં જતી અને બીલીમોરા બાંગીયા ફળીયામાં રહેતી મોનાઝ ઇકબાલ અબ્દુલ્લ સૈયદ (28) ની નજર નવસારીના વિજલપુર રહેતા સંદીપ ચૈત્રરામ આહીરે (35) સાથે મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો. સાત વર્ષ પહેલા હિન્દુ રીતરિવાજ મુજબ બંને ઉત્તરપ્રદેશ ભાગી જઈને લગ્ન કરી લીધાં હતાં. તે પછી થોડા સમય બાદ મોનાઝ અને તેનો પતિ સંદીપ બીલીમોરા આવી ગયા હતા. બાદમાં મોનાઝ દુબઈ બ્યુટીપાર્લરમાં નોકરીએ ગઇ હતી. જેણે પતિને પણ દુબઈ બોલાવી નોકરીએ લગાડ્યો હતો. જો કે દુબઈમાં ગર્ભવતી બનતા મોનાઝ બીલીમોરા પરત આવી હતી અને પતિ સંદીપ દુબઈમાં નોકરી કરતો હતો. તેઓને સોહા (ઉ.વર્ષ 4) નામની પુત્રી પ્રાપ્ત થઈ હતી. સંદીપ દર બે વર્ષે બીલીમોરા આવતો પણ મોનાઝ તેના પિયર વિજલપોર જતી ન હતી, મોનાઝના અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાનો સંદીપને વહેમ હતો. જે માટે બંને વચ્ચે ઘણી ચકમક થતી અને વાત છૂટાછેડા સુધી પહોંચતાં તેની પુત્રી સોહાના કબજા બાબતે બંને વચ્ચે મનદુઃખ થયું હતું.
સંદીપ ગઈ તારીખ 2જી ફેબ્રુઆરી 2022 દુબઈથી સ્વદેશ પરત થયો હતો અને પત્નીને ફોન કરીને મળવા માટે બીલીમોરા તા.5 ફેબ્રુઆરી 22 એ સાંજે 7:30 વાગ્યે પોતાની મોપેડ ઉપર ગયો હતો. તેને ફોન કરીને મોનાઝને ઘર બહાર બોલાવી હતી અને ઘર બહાર રસ્તા પર આવતા જ સંદીપ તેની ઉપર છરાથી તૂટી પડ્યો હતો અને 10 ઘા મારી મોપેડ ઉપર ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં મોનાઝ જમીન ઉપર તફડી પડી હતી. જોકે આ બનાવ બીલીમોરા પોલીસ સ્ટેશનની નજીકમાં જ બન્યો હોય વાત વાયુવેગે પ્રસરતા તરત જ પોલીસ પહોંચી ગઈ હતી અને મોનાઝને હોસ્પિટલ લઇ જવાઇ હતી પણ તે પહેલાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું.
મોપેડ પર ભાગતા સંદીપે બે યુવતીને અડફેટે લીધી
મોનાઝ પર ઘા ઝીંકી ભાગતા સંદીપે તલોધ પહોંચી મોનાઝના મોબાઇલ ઉપર ફોન કરતા તેની બહેને ઊંચક્યો હતો, તેણે કહ્યું કે ‘તું બાકી રહી ગઈ છે’. જોકે સ્થળ પર હાજર પોલીસે તેની બહેનને ફોન ઉપર સંદીપને વાતોમાં પરોળી રાખવાનું કહ્યું હતું. જેથી તેનું લોકેશન ટ્રેસ થઈ શકે, સદ્નસીબે લોકેશન ટ્રેસ થયું હતું. જેની ગંધ સંદીપને આવી જતા તે મોપેડ લઈને ભાગી છૂટ્યો હતો. જેણે વલોટી પાસે રસ્તે ચાલતી યુવતીને અડફેટે લેતા યુવતીના બંને પગે ફ્રેક્ચર થયું હતું, તો ત્યાં બીજી તરુણીને પણ અડફેટે લેતાં તેને ઈજા પહોંચી હતી અને પોતે પણ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.