બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ગોયંદી ભાઠલા ગામે યુવકને તેના સાવકા ભાઈએ ચપ્પુથી (Knife) હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો છે.
- બીલીમોરામાં યુવકને સાવકા ભાઈએ નજીવા મામલે ચપ્પુના ઘા ઝીંક્યા
- પિતાને સમજાવવાનું કહેતાં ઉશ્કેરાયો હતો, સાવકી માએ હાથ પકડી રાખ્યો, સાવકા ભાઈએ ચપ્પુના ઉપરાછાપરી ઘા માર્યા
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીકના ગોયંદી ભાઠલા ગામ હવાડા ફળીયા ખાતે રહેતા અને વેલ્ડીંગનું કામ કરતા પ્રિતેશ મધુભાઈ પટેલ (34)એ બીલીમોરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવ્યું કે તેની માતા ત્રીસ વર્ષ અગાઉ મૃત્યુ પામી હતી, જેથી પિતાએ સુશીલાબેન સાથે બીજા લગ્ન કર્યા હતાં. પિતા મધુભાઇ તથા સાવકી મા સુશીલાબેન તેમજ તેમનો છોકરો દિપ અલગ રહે છે. 2જી જાન્યુઆરીના રોજ રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં તેના પિતા ઘરમાં છોકરાઓનો અવાજ જોઈતો નથી તેમ કહી ગમેતેમ બોલતા હતા. જેથી તે પિતાજીને સમજાવવા ગયેલ, પરંતુ તેના પિતા તેની વાત માનતા ન હોય જેથી તેણે સાવકા ભાઈ દિપને પિતાને સમજાવવા જણાવતા દિપ પિતાને સમજાવવાને બદલે પ્રીતેશ સાથે જ બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો.
જેથી આવેશમાં આવી પ્રીતેશે સાવકા ભાઈ દીપને એક લાફો મારી દીધો હતો. જેથી દીપ ઉશ્કેરાઈ ગયો હતો. તેની સાવકી માતા સુશીલાબેને આવી અચાનક પ્રીતેશનો જમણો હાથ પાછળથી પકડી લીધેલ અને તેના દિપે ધારદાર ચપ્પુ વડે પ્રીતેશ ઉપર જીવલેણ હુમલો કરી ચપ્પુના આડેધડ ઘા માર્યા હતા. પ્રીતેશની પત્ની તેને વધુ મારમાંથી બચાવવા વચ્ચે પડેલી, પરંતુ દિપે ચપ્પુના ઘા મારવાનું ચાલુ રાખેલ અને નાલાયક ગાળો બોલી કહેતો હતો કે આજે તો તને જીવતો જવા દેવો નથી, તેવી ધમકી આપી ઘરમાં જતો રહેલો. ઘાયલ પ્રીતેશને બીલીમોરાની ગુપ્તા હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.ભાનમાં આવતા પ્રીતેશે બીલીમોરા પોલીસમાં તેના સાવકા ભાઈ દિપ મધુભાઈ પટેલ તથા સાવકી મા સુશીલાબેન મધુભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.