બીલીમોરા: (Bilimora) બીલીમોરા પાસે ની આંતલિયા સ્મશાન ભૂમિથી ચીખલી તાલુકા નાં ઘેકટી ગામ સુધી કાવેરી નદી પટમાં પાણી નો રંગ લીલો થઈ જતા પશુપાલકો અને વપરાશકારો માં ચિંતા પ્રસરી છે.
બીલીમોરા નગરપાલિકાએ આ વર્ષ દેસરા કાવેરી નદી પટમાં માટી નો આડબંધ બાંધ્યો નથી, જેને કારણે નદી નું પાણી દરિયામાં વહી ગયું હતું. બીજી તરફ નહેર નાં પાણી પણ આવ્યા નથી. તો ઉનાળા ની ગરમી માઝા મૂકી રહી છે. જેને કારણે બીલીમોરા, આંતલિયા, ઘેકટી, વંકાલ વજીફા બુલેટ ટ્રેન પ્રોજેકટ સુધી નાં પટમાં પાણી નો જથ્થો ઘટી ગયો છે. કેટલાક સ્થળે નદી ખોબા જેવી થઈ ગઇ છે. નવા પાણી ની આવક નાં અભાવે લાંબા સમય થી સંગ્રહિત પાણી પ્રદુષિત ભાસી રહ્યું છે. જે કપડાં ધોવા કે પાલતુ પશુ માટે અયોગ્ય છે. ભૂગર્ભ જળ નાં તળિયા પણ ઊંડે ગયા છે. જેને કારણે કાવેરી કાંઠે રહેનારા પાણી ની કિલ્લત અનુભવી રહ્યાં છે. જોકે કાવેરી નદી ઉપર રૂ.250 કરોડ નાં ખર્ચે વાઘરેચ ટાઇડલ ડેમ નું કામ પ્રગતિ માં છે. જે પૂર્ણ થતાં આગામી વર્ષ થી લોકો ને પાણી સમસ્યાથી છૂટકારો મળશે.