બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં તમિલ સમુદાયે બુધવારે ભગવાન કાર્તિકેય ઉત્સવની ઉજવણી કરી હતી. અંબિકા નદી કિનારે તમિલ સમુદાયના 11 શ્રધ્ધાળુઓએ ધાર્મિક આસ્થા અને પરંપરા પ્રમાણે 15 ફૂટ લાંબા અણીદાર સળિયા મોઢા વીંધી (આરપાર કરી) બે કિલોમીટર પગપાળા કાવડ યાત્રા (Kavad Yatra) રેલવે સ્ટેશન (Railway Station) શ્રી મુતુમારી અમન મંદિર પહોંચી હતી.
- 15 ફૂટ લાંબા તીર મોઢાની આરપાર વીંધી કાવડ યાત્રામાં નીકળેલા 11 શ્રધ્ધાળુઓ
- બીલીમોરામાં તમિલ સમુદાયે ભગવાન કાર્તિકેય ઉત્સવની ઉજવણી શ્રધ્ધાભેર કરી
દક્ષિણ ગુજરાત સહિત બીલીમોરામાં તમિલ સમુદાય મોટી સંખ્યામાં વસે છે. ભગવાન કાર્તિકેયને તમિલ સમુદાયના લોકો ભગવાન મુરુગન સ્વામી તરીકે પૂજે છે. તમિલ પરંપરા અનુસાર ચૈત્ર પૂનમે ભગવાન કર્તિકેયની પૂજા અર્ચના કરે છે. આ પરંપરાને જીવંત રાખવા દક્ષિણ ગુજરાતમાં વસતા તમિલ સમુદાયે બીલીમોરા અંબિકા નદી કિનારે બંદર પર દેવી (કાવડ) સ્થાપના કરી શક્તિની પૂજા ઉપાસના કરી હતી. તે સાથે સમુદાયના લોકોમાં શક્તિનો સંચાર જોવાયો હતો. અને ભગવાન કર્તિકેયની જયજયકારનો નાદ ગુંજી ઉઠ્યો હતો. અને સમાજના 6 પુરુષ, ૫ મહીલાઓ મળી કુલ 11 શ્રધ્ધાળુઓએ મોઢાનાં ભાગે ગાલમાં આરપાર 10 ફૂટ લાંબા અણીદાર સળિયા (તીર) પસાર કર્યા હતા.
અને સળિયા સાથે ધોમ ધખતા તાપમાં ખુલ્લા પગે બે કિલોમીટરની મજલ કાપી કાવડયાત્રા ખાડામાર્કેટ પાસે તમિલ સમુદાયના મુત્તુમારી અમન મંદિર પહોંચી હતી. સળિયા પરોવેલી અવસ્થામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સ્ત્રી પુરુષને જોઈ લોકો દંગ રહી ગયા હતા. મુત્તુમારી અમન મંદિરે ભક્તોએ દર્શનકરી પોતાની બાધા મન્નત પુરી કરી હતી. મંદિર પરીસરમાં મહા પ્રસાદનો એક હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. વલસાડ, વાપી, નવસારી અને મહારાષ્ટ્રથી લોકો ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યાં હતા. અને વિવિધતામાં એકતાનો માહોલ જોવાયો હતો.
ધરમપુરના વીરવલ ગામે સંત દીતીયાબાપાના સ્મારક ઘાટ માટે શ્રીરામ કથાનો પ્રારંભ
ધરમપુર : વર્ષો પહેલા આદિવાસી ક્ષેત્રમાં રામધૂનની અલખ જગાવી યુવાનોને વ્યસનથી દૂર રહી દરેકે ખેતી કરી ઝાડ રોપવા જેવા સૂત્રો સાથે ધરમપુર નજીકમાં વિરવલ ગામે રામભક્ત દીતીયા બાપાએ અલખ જગાવી હતી. સમગ્ર વિસ્તારમાં તેમણે ધર્મની ધજા લહેરાવી હતી. એમની જ્યાં અંતિમ વિધિ કરાઈ હતી, એવા ઘાટ ઉપર દીતીયા બાપા સ્મારક બનાવામાં આવનાર છે. જ્યાં લાઈબ્રેરી હોલ, રામકબીર કુટીર તેમજ દીતીયા બાપાનું સ્મારક ઉભું કરવામાં આવશે. ભગવાન શંકરની ૫૧ ફૂટ ઉંચી પ્રતિમા પણ સ્થાપિત કરાશે. જેના લાભાર્થે આજથી શ્રીરામ કથાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ૯ દિવસ સુધી ચાલનાર આ કથામાં વ્યાસપીઠ ઉપરથી સંગીતમય વાણીમાં રસપાન વાંઝણા મેલડીધામના વિજયબાપુ કરાવી રહ્યા છે. ધારાસભ્ય અરવિંદ પટેલે પોતાના ધારાસભ્ય ફંડમાંથી નાણાં આપવાની જાહેરાત કરી હતી. તાન નદીના કિનારે તૈયાર થઇ રહેલા સ્મારક ઘાટ ધરમપુર માટે પણ એક આસ્થાનું કેન્દ્ર બને તેવા હેતુથી અહી નિર્માણ કાર્ય હાથ ધરાયું છે.