બીલીમોરા: (Bilimora) બીલીમોરાની બજાર મસ્જિદ સામે ત્રણ મહિના પૂર્વે મકાનનો કાટમાળ (Debris) ઉતારતી વખતે મળી આવેલા અસલ સોનાના સિક્કાઓ (Gold Coins) કાટમાળ ઉતારનારે મજૂરો સાથેના મેળાપીપળામાં વહેંચી લીધા હતા. તે મકાનના મૂળ માલિકો વિદેશથી પરત બીલીમોરા આવ્યા છે, જેમણે કાટમાળ રાખનાર સાથે જો કોઈ કીંમતી વસ્તુઓ કે દસ્તાવેજ મળી આવે તો જાણ કરવાનું નક્કી થયા પછી પણ કોઈ જાણ મકાન માલિકને નહીં કરી વિશ્વાસઘાત કરતા મજૂરો સહિત કાટમાળ રાખનાર સામે પોલીસમાં ફરિયાદ કરાતા એલસીબી પોલીસ તપાસ કરી રહી છે.
- સોનાના સિક્કા સગેવગે કરનાર કોન્ટ્રાક્ટર અને મજૂરો સામે ફરિયાદ
- બીલીમોરાના જર્જરિત મકાનનો કાટમાળ ઉતારતી વખતે મળેલા સોનાના સિક્કા કોન્ટ્રાક્ટર અને મજૂરોએ વહેંચી લીધા હતા
- એક મજૂરનો સિક્કા ચોરાઈ જતા તેણે મધ્યપ્રદેશ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો
બીલીમોરાના સબ્બીરભાઈ અને ઈમ્તિયાઝ બલિયાવાળાના વર્ષો જુના જર્જરિત મકાનનો કાટમાળ ઉતારવાનો કોન્ટ્રાક્ટ વલસાડના સરફરાજ હાજી કોરડીયાને સોંપવામાં આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના મજૂરોને બોલાવાયા હતા. તે દરમિયાન 1922ની સાલના અંગ્રેજોના જમાનાના ઐતિહાસિક સોનાના મોટા પ્રમાણમાં સિક્કા મકાનના મોભમાંથી મળી આવ્યા હતા. જેથી મજૂરો કામ છોડીને વતન જતા રહ્યા હતા. જોકે આ સોનાના સિક્કા કોન્ટ્રાક્ટરે પોતાની પાસે રાખીને વીસ ત્રીસ ટકા મજૂરોને આપ્યા હોવાની જાણ પરિવારના સગાઓએ આપી હતી.
મજૂરોના ભાગે આવેલા સોનાના સિક્કાઓમાં એક મજૂરના સિક્કા તેના વતનમાંથી ચોરાઈ જતા તેણે મધ્યપ્રદેશ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશની પોલીસે મજૂરોને બીલીમોરા લાવી તપાસ કરી હતી. ત્યારે હાલમાં જ મકાન માલિક હવાબેન ઈમ્તિયાઝ બલિયાવાલા (રહે યુકે મૂળ રહેવાસી સુરખાઇ, ચીખલી)એ તેમના મકાનનો કાટમાળ ઉતારનાર કોન્ટ્રાક્ટર સરફરાજ કોરડીયાએ સોનાના સિક્કા મળ્યાની જાણ નહીં કરી વિશ્વાસઘાત કરતા તેમની સામે તથા મજૂરો રાજુભાઈ, બજારી, રમકુભાઇ, દિનેશભાઈ (તમામ રહેવાસી મધ્યપ્રદેશ) સામે પોલીસમાં ફરિયાદ આપી છે.