બીલીમોરા: (Bilimora) ગણદેવી તાલુકાના સોનવાડી ગામે અંબિકા નદી (Ambika River) સોનવાડી પુલ નીચે શુક્રવાર સાંજે નવાગામના ખેડૂત પિતા અને માસૂમ પુત્રીની મોટરસાયકલ, બંનેની ચંપલ, પર્સ, મોબાઈલ મળી આવતા ચકચાર મચી હતી. નવસારી-ગણદેવી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ 18 કલાકની જહેમત બાદ અંબિકા નદીમાંથી પિતા અને પુત્રીના (Father Daughter) મૃતદેહ શોધી બહાર કાઢ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી રહસ્યમય મોતની તપાસ હાથ ધરી હતી.
- ઉતરાયણના દિવસે ઘરેથી બાઈક પર નીકળ્યા બાદ પરત ન ફરતાં પત્નીએ કાકા સસરા અને તેના પુત્ર સાથે શોધખોળી કરી
- ગણદેવી તાલુકાના સોનવાડી અંબિકાનદી પુલ નીચેથી બાઈક, ચંપલ અને પર્સ અને મોબાઈલ મળ્યા બાદ લાશ મળી
નવસારી તાલુકાના નવાગામ પટેલ ફળીયામાં રહેતો અને ખેતી કામ કરતો કેયુર નરેશભાઈ પટેલ (ઉ.29) પોતાની વ્હાલસોયી દીકરી વિહાના (ઉ.5) સાથે શુક્રવારે બપોરે મોટર સાયકલ નં.જીજે ૨૧ બી ક્યુ ૭૧૮૨ ઉપર બેસી ગામના ચોતરે લટાર મારવા નીકળ્યો હતો. દરમિયાન સાંજ થવા છતાં ઘરે પરત નહીં ફરતા ચિંતાતુર પત્ની દૃષ્ટિ પટેલે કાકા સસરાને જણાવ્યું હતું કે ઘરેથી દીકરી સાથે ગયેલા તેના પતિનો કોઈ પત્તો નથી, મોબાઈલ ફોન રિસીવ કરતા નથી. જેને કારણે કાકા સસરા મુકેશ નરોત્તમ પટેલ (ઉ.50) અને તેનો પુત્ર ચિરાગ પટેલ શોધખોળ કરવા નીકળ્યા હતા. દરમિયાન શુક્રવાર સાંજે નજીકના સોનવાડી ગામે અંબિકા નદી પુલ નીચે જુના પુલની નીચેથી નરેશભાઈની મોટરસાયકલ, બંનેની ચંપલ, પર્સ, મોબાઈલ મળી આવ્યા હતા. જેને કારણે ગણદેવી પોલીસને જાણ કરાઈ હતી.
સ્થાનિક માછીમારો, તરવૈયાઓ, નવસારી-ગણદેવીના લાશ્કરોએ નદીમાં શોધખોળ કરતાં બંનેની લાશ મળી
સ્થાનિક માછીમાર, તરવૈયાઓ, નવસારી-ગણદેવી ફાયરબ્રિગેડ લાશ્કરોએ નદીમાં શોધખોળ શરૂ કરી હતી. તેમ છતાં બંનેના કોઈ સગડ મળ્યા ન હતા. પુલ ઉપર લોકોના ટોળા ઉમટ્યા હતા. દરમિયાન શનિવાર સવારે 10 કલાકે જુના પૂલના ઉત્તર છેડે બીજા અને ત્રીજા પિલર વચ્ચે ઉંડા પાણીમાંથી પિતા કેયુર પટેલ બાદ બપોરે 1 કલાકના અરસામાં પુત્રી વિહાનાના મૃતદેહ મળ્યા હતા. ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બંનેના પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ પીએસઆઇ સાગર આહીર ચલાવી રહ્યા છે.
યુવકના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા, એક વર્ષનો એક પુત્ર પણ છે
કેયુર નરેશભાઈ પટેલ (ઉ.29)ના લગ્ન 6 વર્ષ અગાઉ વલસાડ જિલ્લાના લીલાપોર ગામે દ્રષ્ટિબેન પટેલ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પુત્રી વિહાના (ઉ.5) અને પુત્ર ત્રિશિવ (ઉ.1) નો જન્મ થયો હતો. આ ઘટના અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે.