મિત્રો સાથે મફતમાં દારૂ લેવા ગયો અને બુટલેગરોએ લાકડાના ફટકા મારી લોહીલુહાણ કરી દીધો

સુરત: (Surat) ડિંડોલીમાં પોલીસ અને સ્થાનિક તંત્રની રહેમરાહ હેઠળ મનપાના ખુલ્લા પ્લોટમાં જ દારૂનું (Alcohol) ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. ઉત્તરાયણના તહેવારમાં સ્કૂલના ટ્રસ્ટી સહિત ચાર મિત્રો દારૂ લેવા માટે ગયા હતા. અહીં તેઓ દારૂ લેતા અને રૂપિયા આપતા વીડિયો ઉતારતા હતા ત્યારે માથાકૂટ થઇ હતી. બુટલેગરોએ (Bootlegger) ટ્રસ્ટીની ગાડીના કાચ તોડી નાંખ્યા હતા અને ટ્રસ્ટીના એક મિત્રને લાકડાના ફટકા મારીને લોહીલુહાણ કરી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પાટોડા ગામના વતની અને સુરતમાં પાંડેસરા બમરોલી રોડ ઉપર સુખીનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ હનુમંત બડગે પાંડેસરાની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. પ્રમોદભાઇને તેના મિત્ર મનોજ વિનોદભાઇ રાવતે ડિંડોલીના પ્રયોશાપાર્ક પાસે બોલાવ્યા હતા. પ્રમોદભાઇ ત્યાં સ્વીફ્ટ ગાડીમાં સાંજે ચારેક વાગ્યે ગયા હતા. આ દરમિયાન ત્યાં મનોજના અન્ય મિત્રો વિવેક જનાર્દન સિંગ (રહે. મિલેનીયમ પાર્ક, ડિંડોલી) તેમજ સાક્ષી ઉપાધ્યાય પણ હાજર હતા. આ ચારેય મિત્રો ઉત્તરાયણનો તહેવાર હોવાથી ફરવા જવાનું નક્કી કર્યું હતું. ચારેય ડિંડોલીમાં પ્રયોશાપાર્કની આગળ આવેલા એસએમસીના ખુલ્લા પ્લોટમાં દારૂની બોટલ લેવા માટે ગયા હતા.

દરમિયાન મનોજે બુટલેગરની પાસેથી દારૂની બોટલ માંગી હતી, બુટલેગરે દારૂના રૂપિયા માંગતા વિવેકસીંગ વીડિયો ઉતારવા લાગ્યો હતો. આ દરમિયાન બુટલેગરે કહેલ કે, કાંચા પાટીલ અને નિમેશપટેલ તું લાકડાના ફટકા અને સામાન લઇને આવો. આ ત્રણેયએ ભેગા થઇને મનોજને લાકડાના ફટકાથી લોહીલુહાણ કર્યો હતો, આ ઉપરાંત પ્રમોદભાઇની સ્વીફટ ગાડીને લાકડાના ફટકા મારીને કાચ તોડી નાંખ્યા હતા. તેઓ ગ્રાઉન્ડની બહાર જતા ત્યાં પોલીસની મોબાઇલ વાન આવી હતી. બુટલેગરો પોલીસને જોઇને ત્યાંથી રફ્ફુચક્કર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં મનોજને તાત્કાલીક સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બનાવ અંગે બુટલેગર કાંચા પાટીલ, નિમેશ પટેલ અને બબલુભાઇની સામે ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top