બીલીમોરા: (Bilimora) ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલે ગુરુવારે બપોરે બીલીમોરા ડેપોમાંથી બાતમી આધારે વિદેશી દારૂ (Alcohol) ભરેલી રિક્ષા સહિત રૂ.૯૨,૮૨૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રિક્ષા ચાલક અને દારૂ ની ખેપ મારતી બે મહિલા ની ધરપકડ કરી, માલ ભરાવનાર અને મંગાવનાર મળી અન્ય પાંચને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
- બીલીમોરામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપી પાડી
- રૂ.૯૨ હજારનાં મુદ્દામાલ સાથે રિક્ષા ચાલક અને બે મહિલા ની ધરપકડ, પાંચને વોન્ટેડ જાહેર કરાયાં
સ્ટેટ મોનિટરિંગ પોલીસને બાતમી મળી હતી. તે પછી બીલીમોરા ડેપો ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી રિક્ષા નં. જીજે ૨૧ વાય ૩૫૫૧ આવતા રોકવાની કોશિશ કરી હતી. તેમ છતાં ચાલક રિક્ષા હંકારી ગયો હતો. જેને આંતરી ઊભી રાખતા તેમાંથી રૂપિયા ૫૨૨૦૦ની કિંમતની ૫૦૪ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ ઉપરાંત અંગઝડતીનાં રૂ. ૪૬૨૦, રિક્ષાના રૂ.૩૦ હજાર, મોબાઈલ નં.૩ કિંમત રૂ. ૬ હજાર મળી કુલ રૂ.૯૨,૮૨૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને રિક્ષા ચાલક શૈલેષ ઝીણા પટેલ(ઉ.વ. ૪૨) તેમજ દારૂ ની ખેપ મારતી મહિલા સીમા મુકેશ પટેલ(ઉ.વ.૩૭) અને પાર્વતી નટુ પટેલ (ઉ.વ.૫૮) તમામ (રહે.બીગરી) ની ધરપકડ કરી હતી. તેમજ દારૂ નો જથ્થો આપનાર રાજુ છગન પટેલ (રહે.બીગરી) તથા વિદેશી દારૂ મંગાવનાર ચંદન પટેલ, રહીમ, કિશોર અને બકુમાસી તમામ (રહે. નવસારી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસ મરીન પીઆઇ ડી.ડી.લાડુમોર કરી રહ્યાં છે.