બીલીમોરા: (Bilimora) ગણદેવી તાલુકાના દુવાડા ગામે ગણેશ ક્વોરી પાછળ ખુલ્લી જગ્યામાં સોમવારની રાત્રે પોલીસે સગેવગે કરાતા ૧.૨૬ લાખના વિદેશી દારૂ (Alcohol) સાથે ત્રણ ખેપિયાને ઝડપી રૂ.૩.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ગણદેવી પીએસઆઇ (PSI) સાગર આહીરની ટીમે ગત મધ્યરાત્રીએ દુવાડા ગામે છાપો મારતા ખેપિયાઓમાં નાસભાગ મચી હતી.
- ગણદેવીના દુવાડા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ
- બે ખેપિયા અંધારાનો લાભ ઉઠાવી ભાગી નીકળ્યાં, જ્યારે ત્રણ ખેપિયા રંગે હાથ ઝડપાયા
બે ખેપિયા અંધારાનો લાભ ઉઠાવી ભાગી નીકળ્યાં હતા. જ્યારે ત્રણ ખેપિયા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં ધવલ અશોકભાઈ પરમાર (૩૨ ટંકારીયા ફળીયું દુવાડા, તા.ગણદેવી), વિરલ નાનુભાઈ નાયકા (૩૦) અને શુભમ સુનિલભાઈ નાયકા (૨૩ બંને રહે. વડ ફળીયા દુવાડા તા.ગણદેવી)ની ધરપકડ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી નંબર વગરની મારુતિ કાર અને તેમાંથી રૂ.૧.૨૬ લાખની કિંમતની વિદેશી દારૂની નાની મોટી બોટલ કબ્જે લીધી હતી.
ઉપરાંત સુઝુકી તેમજ નંબર વિનાની સુઝુકી મળી ૩.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે દમણથી માલ મોકલનાર ભાવેશ, માલ લાવનાર લાલ રંગની બ્રેઝા કારનો ચાલક, તેમજ ભાગી જનાર કાર ચાલક બકુલ મગનભાઈ પટેલ (રહે.પંડ્યા મહોલ્લો ગણદેવી) તેમજ તેનો મિત્ર મહેશ ઉર્ફે બોડીયો જ્યંતિભાઈ પટેલ (રહે. માકલા ફળીયા ગણદેવી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસ ગણદેવી પીએસઆઇ સાગર આહીર કરી રહ્યાં છે.
પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
વલસાડ : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નજીકના ગામમાં રહેતી ૩૯ વર્ષીય પરિણીતાએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ઉપર તા.૨૪ જૂને રાત્રિના ૧:૨૬ કલાકે ફોન કરી દારૂડિયા પતિએ મારઝૂડ કરી ઘરમાંથી બહાર કાઢી મુકી હોવાનું જણાવ્યુ હતુ. જેના પગલે વલસાડ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં જઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પરિણીતાના પ્રેમલગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી તેઓને એક દીકરો છે, જે હાલમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. તેનાથી નાની દીકરી પણ અભ્યાસ કરે છે.
બેન પોતે કંપનીમાં વર્કર તરીકે કામ કરે છે. જ્યારે તેનો પતિ વોચમેનની નોકરી કરે છે. જે વ્યસની હોવાથી નાની મોટી બાબતે ઝગડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપી ગાળો બોલી પત્નીને જાહેરમાં અપમાનિત કરતો હતો. રાત્રિના સમયે નશાની હાલતમાં ઝગડો કરી અડધી રાતે તેણે પત્નીને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. આ બાબતે ૧૮૧ અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી પતિને તેની ભૂલનું ભાન કરાવી કાયદાકીય ચીમકી આપી બેનને પોલીસ ફરિયાદ કરવા માટે જણાવતા પતિએ હવે પછી સુધરી જઈ કોઈને પણ હેરાન નહીં કરે તેવી ખાતરી આપતા પરિણીતાએ ફરિયાદ માટે ના પાડતા સહમતિથી સુખદ સમાધાન થયું હતું. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ન્યાય અપાવવા બદલ પરિણીતાએ અભયમની ટીમનો આભાર માન્યો હતો.