નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) SCO સમિટમાં ભાગ લેવા માટે ભારત (India) આવવા જઈ રહ્યાં છે ત્યારે હવે ઈમરાન ખાનની (Imran Khan) પાર્ટીએ તેમના પર નિશાન સાધ્યું છે. ઈમરાન ખાનની પાર્ટીના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ બિલાવલના ભારત પરના પ્રવાસ અંગે તેઓને આડેધડ લીધા છે. તેઓએ એક ટ્વિટ કર્યું છે જેમાં તેઓએ લખ્યું કે ” બિલાવલ ભુટ્ટોની ભારત યાત્રા કાશ્મીરીઓના બલિદાનનું અપમાન સમાન હશે” તેઓએ વધારામાં લખ્યું કે ભુટ્ટો એવા સમયે ભારતના પ્રવાસે જઈ રહ્યાં છે જયારે બંને દેશો વચ્ચે વાર્તાલાપ બંધ થઈ ગયો છે. તેમજ હવે જમ્મું કશ્મીર પાસે વિષેશ રાજયનો દરજ્જો પણ નથી રહ્યો. ફવાદ ચૌધરીએ કહ્યું કે ‘PTI ભારત સહિત અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના પક્ષમાં છે. તેઓએ ભારપૂર્વક કહ્યું કે ‘PTI પાકિસ્તાનને કઠપૂતળી દેશ બનવા દેશે નહીં’.
જણાવી દઈએ કે SCO સમિટ ભારતમાં 4 અને 5 મેના રોજ યોજાશે. પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું કે ‘બિલાવલ ભારતના ગોવામાં આયોજિત ફોરેન મિનિસ્ટર્સ CFM કાઉન્સિલમાં ભાગ લેશે, જે SCO સમિટનો ભાગ હશે અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બીજી તરફ બલોચે કહ્યું કે, ‘ભારતના વિદેશ મંત્રીના આમંત્રણ પર પાકિસ્તાનના વિદેશ મંત્રી કોન્ફરન્સમાં ભાગ લેશે. તાજેતરના વર્ષોમાં કોઈપણ પાકિસ્તાની નેતાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે.
પાકિસ્તાન ભારતમાં SCO સમિટનો ભાગ બનશે કે નહીં તે અંગે પહેલા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. ભારતે પહેલા જ પાકિસ્તાનને આ સમિટમાં ભાગ લેવાનો સંદેશો મોકલી દીધો હતો, જેના પર પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ ગુરુવારે પાકિસ્તાનના વિભાગના પ્રવક્તા મુમતાબ ઝહરા બલોચે સ્પષ્ટ કર્યું કે બિલાવલ ભારતની મુલાકાત લેશે. ઈમરાનના નજીકના સહયોગી ફવાદ ચૌધરીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાને બાજુ પર મુકવો અને ભારત સાથે સહયોગને પ્રાથમિકતા આપવી એ આંતરરાષ્ટ્રીય એજન્ડાનો ભાગ છે. તેમણે કહ્યું કે આ એજન્ડાને પૂરો કરવા માટે પીડીએમ સરકાર પાકિસ્તાન પર લાદવામાં આવી હતી.