સાયણ: સાયણ રેલ્વે ઓવરબ્રિજ (Sayan Railway Over Bridge) ચઢતા એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બાઈક ઉપર ટ્રિપલ સવારી કરી જઈ રહેલા ત્રણ મિત્રોને અડફેટે (Accident) લીધા હતા. આ અકસ્માતમાં એકનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે બે મિત્રોને સામાન્ય ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાયણ વિસ્તારના દેલાડ ખાતેની રામેશ્વર રેસીડેન્સીમાં રહેતો ઓરિસ્સાનો શ્રમજીવી બિચીત્ર મહેશ્વર રાઉત ગયા રવિવાર તા.30 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં મિત્રો અરવિંદ રંજન કાલીયા અને અનિલ કાલીયા (બંને રહે. દેલાડ, ઓલપાડ) સાથે પોતાની સ્પલેન્ડર પર વેલંજા રંગોલી ચોકડીથી સાયણ રેલવે ઓવરબ્રિજ તરફ જઈ રહ્યો હતો.
ત્યારે તેની બાઈક પાછળ આ બંન્ને મિત્રો બેઠાં હતા. ત્રણેય મિત્રો એક જ બાઈક પર જયારે શિવકૃપા બંગ્લોઝની સામે રંગોલી ચોકડીથી દેલાડ જવાના રોડ પરથી રેલ્વે ઓવરબ્રિજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બ્રિજ ઉપર ચઢતા એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે અડફેટે લઇ ટક્કર મારી હતી. જેથી સર્જાયેલા અકસ્માતમાં ત્રણે મિત્રો રોડ ઉપર પટકાયા હતા. જેમાં બાઈક ચાલક બિચીત્ર મહેશ્વર રાઉતને જીવલેણ ઇજા થતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તા.1 મે ના રોજ બપોરે મોત થયું છે, જયારે અરવિંદ રંજન કાલીયા તથા અનિલ કાશીયાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
આ બાબતે મૃતકના કાકાના દિકરાએ ઓલપાડ પોલીસ મથકમાં અજાણ્યા ફોર વ્હીલ ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચલથાણ નેશનલ હાઇવે ઉપર એક મોટર સાઇકલ ડિવાઈડર સાથે ભટકતા ચાલકનું મોત
પલસાણા: વડેલી ગામે રહેતા માનસિહ ભુરેલાલ રાજપૂત ઉંમર વર્ષ 29 ગઈકાલે મોટરસાયકલ (જીજે 05 કે એલ 6739) ને લઇ પલસાણા ખાતે રહેતા મિત્ર શિવસાગર સુંદરલાલ રાજપૂત ને રાત્રિના 11:00 વાગ્યાના સુમારે મુકવા જઈ રહ્યો હતો ત્યારે ચલથાણ ગામ નજીક ટાટા મોટર્સની સામે નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતાં હતાં ત્યારે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં માનસિંહના માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતું.