ઘેજ : ચીખલીના સાદકપોર ચાડીયા પાસે આઇસર અને બાઇક (Bike) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) બલવાડાના યુવાનનું સ્થળ ઉપર જ મોત (Death) નીપજ્યું હતું. બનાવની પોલીસ (Police) મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના પીપલગભણ ખુટીયાઆંબા ખાતે રહેતા સુનિલ જયેશભાઇ નાયકા (રહે.પીપલગભણ ખુટીયાઆંબા તા.ચીખલી) જે પલ્સર મોટર સાયકલ નં જીજે-૨૧-બીપી-૨૫૮૦ ઉપર ગામના હર્ષદ ચંદુભાઇ પટેલ સાથે પીપલગભણથી ચીખલી આવી રહ્યા હતા.
દરમ્યાન સાદકપોર ચાડીયા ફળીયા પાસે એક આઇસર ટેમ્પો નં જીજે-૨૧-ડબ્લ્યુ-૩૩૪૬ ના ચાલકે પલ્સર મોટર સાયકલ ઉપર સવાર બન્ને યુવકોને અડફટે લેતા પાછળ બેસેલા હર્ષદ ચંદુભાઇ પટેલ (ઉ.વ-૨૪) (મૂળ રહે.બલવાડા નવાનગર તા.ચીખલી) (હાલ રહે.પીપલગભણ ખુટીયાઆંબા તા.ચીખલી) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ ચાલક સુનિલ પટેલને શરીરે ઇજાઓ થતા સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવની ફરિયાદ સતીષ મનુભાઈ નાયકા (ઉ.વ-૩૭) (રહે.બલવાડા નવાનગર તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.જે.કડીવાલા કરી રહ્યા છે.
ચોવીસી ગામ પાસે ડમ્ફર અડફેટે વૃદ્ધનું મોત, એકને ઈજા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર ચોવીસી ગામ પાસે અમદાવાદથી મુંબઈ જતા રોડ પર ડમ્ફર અડફેટે બાઈક ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઈજા થઇ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ખાપરીયા ગામે ઈશ્વરનગર ફળીયામાં મંગાભાઈ ઢેડીયાભાઈ હળપતિ (ઉ.વ. 65) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 8મીએ મંગાભાઈ તેમની સાથે કામ કરતા અજયભાઈ અરવિંદભાઈ હળપતિ સાથે બાઈક (નં. જીજે-21-એએફ-7767) લઈને પલસાણા ખાતે ડ્રાઈવિંગ કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત ગણદેવી આવી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ચોવીસી ગામ પાસે સ્વામીનારાયણ મંદિર સામેથી પસાર થઇ રહ્યા હતા.
દરમિયાન એક ડમ્ફર (નં. જીજે-21-એએફ-0448) ના ચાલકે મંગાભાઈની બાઈકને ટક્કર મારતા મંગાભાઈ અને તેમના મિત્ર અજયભાઈ રસ્તા પર પટકાતા મંગાભાઈના બંને પગ અને ખોપડી પરથી ડમ્ફરના ટાયર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અજયભાઈને શરીરે ઈજાઓ થતા તેમની નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર બીતેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસે ડમ્ફર અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. વાય.જી. ગઢવીએ હાથ ધરી છે.