બિહારમાં આખરે જે બનવાનું હતું એ બન્યું છે. છેલ્લે ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળેલી છતાં વચન આપેલું એટલે નીતિશ ફરી મુખ્યમંત્રી બન્યા પણ એ કેટલો સમય? એવો પ્રશ્ન તો ત્યારથી જ પૂછાતો હતો. હવે એનો જવાબ મળ્યો છે. નીતિશે રાજ્યસભા માટે ફોર્મ ભર્યું છે. ભાજપે એમને આ માટે ફરજ પાડી છે એમ કહી શકાય અને આ સાથે જ નીતિશની બે દાયકાની સફર પૂરી થઇ છે. બિહારમાં નીતિશયુગનો અંત આવ્યો છે.
એક જવાબ તો મળ્યો છે પણ સાથે નવા સવાલો પેદા થયા છે. નવા મુખ્યમંત્રી કોણ? અને નવી સરકાર રચાઈ તો ભાજપ અને જેડીયુનાં કેટલા મંત્રીઓ હશે? ઘણાં રાજ્યોમાં કલ્પનામાં ના હોય એવું નામ પસંદ થયું છે. ભાજપ આવા ચોંકાવનારા નિર્ણય માટે જાણીતો છે. આ વેળા એવું બનશે? એક વાત નિશ્ચિત છે કે, નીતિશ પુત્ર નિશાંત ડેપ્યુટી સી.એમ. બનશે. આ સિવાય ક્યા પક્ષને કેટલું મહત્ત્વ મળે છે એ જોવાનું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નીતિશના જવાથી જેડીયુને કેટલું નુકસાન થશે?
કારણ કે, ભાજપ જેડીયુનાં ખભે બેસી મોટો બન્યો છે. ‘નાના ભાઈ’માંથી ‘સીનિયર પાર્ટનર’ સુધીની સફર રહી છે. ૧૯૯૦ના દાયકામાં લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ નીતિશકુમારે મોરચો માંડ્યો ત્યારે ભાજપ તેમની સાથે જોડાયું. ૨૦૦૫માં જ્યારે પ્રથમ વાર એનડીએ સરકાર બની ત્યારે જેડીયુએ ૮૮ અને ભાજપે ૫૫ બેઠકો જીતી હતી. અહીં નીતિશ કુમાર સ્પષ્ટપણે ‘સીનિયર પાર્ટનર’ હતા. જેડીયુને ૧૧૫ બેઠકો મળી જ્યારે ભાજપને ૯૧. બેઠકોની વહેંચણીમાં પણ જેડીયુનો હાથ ઉપર રહ્યો હતો.
પછી ટર્નિંગ પોઈન્ટ આવે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકલા હાથે શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે જેડીયુ માત્ર ૨ બેઠકો પર સમેટાઈ ગયું. આ પ્રથમ સંકેત હતો કે ભાજપનો જનાધાર હવે સ્વતંત્ર રીતે વધી ગયો છે. ૨૦૧૫માં નીતિશકુમાર લાલુ યાદવ સાથે ગયા, પરંતુ ભાજપે એકલા લડીને પણ ૨૪.૪% વોટ શેર મેળવ્યો, જે કોઈ પણ એક પક્ષ માટે સૌથી વધુ હતો.
૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં સમીકરણો સંપૂર્ણ બદલાયાં. ભાજપને ૭૪ બેઠકો મળી અને જેડીયુને માત્ર ૪૩. પ્રથમ વાર એનડીએમાં ભાજપ બેઠકોની સંખ્યામાં જેડીયુથી ઘણું આગળ નીકળી ગયું. ૨૦૨૫ની ચૂંટણીમાં ભાજપ ૮૯ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો અને જેડીયુ ૮૫ બેઠકો પર રહ્યું. હવે જ્યારે નીતિશકુમાર રાજ્યસભામાં જઈ રહ્યા છે, ત્યારે આ ટાઈમલાઈન સ્પષ્ટ કરે છે કે બિહારમાં ભાજપ હવે માત્ર ટેકો આપનાર પક્ષ નથી, પરંતુ સત્તાની ધરી સંભાળનાર મુખ્ય પક્ષ બની ગયો છે. બિહારમાં હવે ‘નીતિશ મોડેલ’ ને બદલે ‘ભાજપ મોડેલ’નો રસ્તો સાફ થયો છે.
કોર્ટના ચુકાદા બાદ ‘આપ’ને કેટલો ફાયદો?
શરાબ નીતિમાં કોર્ટના ચુકાદા બાદ ‘આપ’ નેતાઓ ફોર્મમાં આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી અરવિંદ કેજરીવાલ જાણે રાષ્ટ્રીય તખ્તાથી સાવ દૂર થઇ ગયા હતા. દિલ્હીમાં હાર થયા બાદ આપનું મનોબળ તૂટ્યું હતું, પણ કોર્ટે જે ચુકાદો આપ્યો એ આપ માટે પુનર્જન્મથી ઓછું કંઈ નથી.
પક્ષ માટે આ સૌથી મોટો નૈતિક વિજય છે. કેજરીવાલે હંમેશા પોતાની રાજનીતિ ‘ઈમાનદારી’ પર ટકાવી છે. કોર્ટે જ્યારે એમ કહ્યું કે “ષડયંત્રના કોઈ પુરાવા નથી,” આ ચુકાદા પછી કેજરીવાલ ફરી એક વાર વિપક્ષી ગઠબંધનમાં મજબૂત નેતા તરીકે ઉભરશે. છેલ્લાં બે વર્ષથી પક્ષ રક્ષણાત્મક સ્થિતિમાં હતો. ટોચના નેતાઓ જેલમાં હોવાથી સંગઠન નબળું પડ્યું હતું. હવે આ ‘ક્લીન ચીટ’ મળ્યા પછી કાર્યકરો વધુ આક્રમક રીતે ભાજપ અને કેન્દ્ર સરકાર સામે મેદાનમાં ઊતરી શકશે. ઉપરાંત કોર્ટે તપાસની રીત અને પુરાવાઓના અભાવ અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી છે.
આપ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવશે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષને ખતમ કરવા માટે કરે છે. આનાથી ભાજપવિરોધી લહેરમાં વધારો થઈ શકે છે. જો કે સીબીઆઈએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી છે, પરંતુ ટ્રાયલ કોર્ટનો આ વિગતવાર ચુકાદો આપ માટે ‘સંજીવની’ સમાન છે. તે પક્ષને રાજકીય મુખ્ય ધારામાં ફરીથી મજબૂતીથી સ્થાપિત કરશે અને એનો પહેલો ફાયદો ગુજરાતમાં થઇ શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે આ ચુકાદો એક મોટું ‘પોલિટિકલ બૂસ્ટર’ સાબિત થઈ શકે છે. ગુજરાત ભાજપનો ગઢ છે અને આપ ત્યાં પોતાને મુખ્ય પડકારકર્તા તરીકે સ્થાપિત કરવા મથામણ કરી રહી છે. આ ચુકાદાથી ગુજરાતમાં નીચે મુજબના ફાયદા થઈ શકે છે:
ગુજરાત ઉપરાંત પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પહેલેથી જ છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની મુક્તિ પક્ષ માટે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં એક મોટું શસ્ત્ર સાબિત થશે. પંજાબમાં વિરોધ પક્ષો (કોંગ્રેસ અને અકાલી દળ) સતત આરોપ લગાવતા હતા કે દિલ્હીમાં ભ્રષ્ટાચાર કરનારા લોકો પંજાબ સરકાર ચલાવે છે. કોર્ટના આ ચુકાદાથી વિપક્ષોનો આ મુદ્દો હવે ખતમ થઈ ગયો છે. ભગવંત માન સરકાર હવે વધુ આત્મવિશ્વાસ સાથે કહી શકશે કે અમારી પાર્ટી ‘કટ્ટર ઈમાનદાર’ છે. ૨૦૨૬નું વર્ષ રાજકીય રીતે ઘણું વ્યસ્ત છે, કારણ કે ભારતનાં ૫ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની કોર્ટમાંથી મુક્તિ (Discharge) આમ આદમી પાર્ટી (AAP) માટે આ ચૂંટણીઓમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. એટલું જ નહિ, આ વર્ષે કેટલાંક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તામિલનાડુ કે પછી કેરળ અને બંગાળમાં પણ આપ મેદાનમાં ઊતરશે. કેજરીવાલ હવે વધુ આક્રમક રીતે ‘મોદી વિરુદ્ધ કેજરીવાલ’ ની લડાઈને રાષ્ટ્રીય સ્તરે લઈ જશે. પણ સવાલ એ છે કે, આપે અત્યાર સુધી કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે, શું તે બદલાયેલી સ્થિતિમાં ભાજપની વોટ બેન્કમાં ગાબડું પાડી શકશે?
તામીલનાડુમાં ધડાકો , પનીરસેલ્વમ ડીએમકેમાં
ઓ. પનીરસેલ્વમ જે ઓપીએસ તરીકે જાણીતા છે તેમનું ડીએમકેમાં જોડાવું એ તમિલનાડુના રાજકારણમાં એક ‘ભૂકંપ’ સમાન ઘટના છે. જયલલિતાના સૌથી વિશ્વાસુ ગણાતા અને ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતા જ્યારે વિરોધી છાવણીમાં જાય, ત્યારે તેનાથી મોટા ફેરફારો આવવા સ્વાભાવિક છે.
ઓ. પનીરસેલ્વમ પ્રભાવશાળી મુક્કુલાથોર સમુદાયના મોટા નેતા છે. દક્ષિણ તમિલનાડુ (થેની, મદુરાઈ, રામનાથપુરમ) માં આ સમુદાયનો મોટો પ્રભાવ છે. એ રીતે ડીએમકેને ફાયદો થઇ શકે. OPS ની સાથે તેમના પુત્ર અને સેંકડો સમર્થકો પણ ડીએમકેમાં જોડાયા છે, જે અન્નાડીએમકેના પાયાના સંગઠનને નબળું પાડશે અને વિપક્ષ એવો પ્રચાર કરી શકશે કે ઇપીએસની ‘સરમુખત્યારશાહી’ ને કારણે પક્ષના દિગ્ગજ નેતાઓ તેને છોડી રહ્યા છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઓપીએસને “માતૃ સંસ્થામાં વાપસી” કહીને આવકાર્યા છે. વળી, અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેના પ્રવેશથી ચૂંટણી ત્રિપાંખિયો જંગ બનવા જઈ રહી હતી, પણ ઓપીએસના આવવાથી ડીએમકેએ પોતાનો કિલ્લો વધુ મજબૂત કરી લીધો છે. જો કે, વી.કે. શશિકલાએ આ નિર્ણયને “કમનસીબ” ગણાવ્યો છે અને ભાજપે તેને “અકૃતજ્ઞતા” કહી છે, પણ જમીની હકીકત એ છે કે ૨૦૨૬ની લડાઈમાં સ્ટાલિને એક મોટું પત્તું ખેલ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.