બિહારના (Bihar) પૂર્વ નાયબ મુખ્યમંત્રી (CM) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીને (Sushil Kumar Modi) જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. આ માહિતી ખુદ ભાજપના નેતાએ આપી છે. સુશીલ મોદીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાંથી ધમકીભર્યો પત્ર મળ્યો છે. સુશીલ મોદીએ કહ્યું કે પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
- પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી
- પત્રમાં લખવામાં આવ્યું છે કે હું તૃણમૂલ કોંગ્રેસનો નેતા છું, મમતા બેનર્જી ભારતના આગામી વડાપ્રધાન બની શકે છે
- પત્રમાં મમતા બેનર્જી અને નીતિશ કુમાર ઝિંદાબાદ લખવામાં આવ્યું હતું
પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ધમકીભર્યો પત્ર અંગ્રેજીમાં લખાયેલો છે. તેમાં લખ્યું છે કે, ‘હું તમને જણાવું છું કે હું તૃણમૂલ કોંગ્રેસ (TMC)નો નેતા છું. મમતા બેનર્જી ભારતના આગામી વડાપ્રધાન બની શકે છે. મમતા બેનર્જી અને નીતિશ કુમાર ઝિંદાબાદ. હું તમને મારી નાખીશ. બીજેપી નેતાએ કહ્યું કે મેં પટનાના વરિષ્ઠ એસપીને વોટ્સએપ દ્વારા આ ધમકી આપતો પત્ર મોકલ્યો છે. તેમની સાથે વાત પણ કરી છે અને તેમણે કાર્યવાહીની ખાતરી આપી છે.
પૂર્વ MLAએ સંસદ ભવન ઉડાવવાની ધમકી આપી
બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય કિશોર સમરીતેની નવા સંસદ ભવન (સેન્ટ્રલ વિસ્ટા)ને બોમ્બથી ઉડાવવાની ધમકીના આરોપમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. સમરીતેએ લોકસભા-રાજ્યસભાના સિક્યોરિટી જનરલને ધમકીભર્યા પત્રની સાથે એક બેગમાં વિસ્ફોટક મોકલીને સંસદ ભવન ઉડાવવાની ધમકી આપી હતી. સમરીતેએ સુપ્રીમ કોર્ટ અને લોકસભા અધ્યક્ષને પણ ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો.
દિલ્હી ક્રાઈમ બ્રાંચના DCP અમિત ગોયલે જણાવ્યું કે સમરીતેને સોમવારે ભોપાલના કોલારમાં ઓર્ચડ પેલેસથી પકડવામાં આવ્યો છે. સમરીતે બાલાઘાટની લાંજી વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યો છે. તેના પર નક્સલીઓ સાથે સાઠગાંઠના પણ આરોપ છે. જણાવી દઈએ કે સમરીતેએ પત્રમાં લખ્યું હતું કે જો અમારી 70 માગ પૂરી નહીં થાય તો સેન્ટ્રલ વિસ્ટાને બોમ્બથી ઉડાવી દઈશું. તે માટે 30 સપ્ટેમ્બરની ટાઈમ લાઈન પણ નક્કી કરી હતી. જે બાદ દિલ્હી ક્રાઈમ બ્રાંચ, IB સહિત અન્ય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.