National

નીતિશ કુમારના દાવ સામે લાલુ યાદવની પલટવારની તૈયારી, ભાજપનું મૌન

પટનાઃ (Patna) બિહારના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજદ (RJD) અને જેડીયૂ (JDU) પોતાની ચાલ ચાલવા તૈયાર છે ત્યારે ભાજપે (BJP) પણ હજી પોતાના પત્તાા સંપૂર્ણ ખોલ્યા નથી. તો શું ભાજપને સરકાર બનાવવાની ઉતાવળ નથી? શું ભાજપનું ધ્યાન RJD સુપ્રીમો લાલુ પ્રસાદ પર છે? શું ભાજપ ઈચ્છે છે કે જો RJD સરકારમાંથી સમર્થન પાછું ખેંચે તો ભાજપ માટે ખેલ સરળ થઈ જાય? બીજી તરફ મામલો રાજ્યપાલ પાસે અટકી શકે છે. શું રાજ્યપાલ આરજેડીનો દાવો સ્વીકારશે? ખરો સવાલ એ છે કે શું આરજેડી સરકારમાંથી સમર્થન પાછું ખેંચશે? શું જેડીયુ ધારાસભ્યો આરજેડીને સમર્થન આપીને કે ગેરહાજર રહીને આરજેડી સુપ્રીમોને મદદ કરવા માંગે છે? આ દરેક સવાલો વચ્ચે બિહારની રાજનીતિમાં પણ મહારાષ્ટ્રવાળી થાય તો નવાઈ નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પાસે બે વિકલ્પ છે. સૌપ્રથમ વર્તમાન સરકારમાંથી સમર્થન પાછું ખેંચી રાજ્યપાલ સમક્ષ એક મોટો પક્ષ તરીકેદાવો કરીને સરકાર બનાવવાનો દાવો કરી શકે. શક્ય છે કે આરજેડી સુપ્રીમો સરકાર બનાવવા માટે જાદુઈ નંબરોની યાદી રાજ્યપાલને સુપરત કરે. આ યાદીમાં 79 આરજેડી, 19 ડાબેરીઓ અને 16 કોંગ્રેસના ધારાસભ્યોની સાથે કેટલાક વધુ ધારાસભ્યોના હસ્તાક્ષર રાજ્યપાલને સોંપવામાં આવશે. કેટલાક વધુ ધારાસભ્યોમાં તે JDU ધારાસભ્યોના નામ હોઈ શકે છે જેમના વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે લાલન સિંહે કેટલાક ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરી લીધા છે. આ ધારાસભ્યો સરકાર બનાવવા માટે લાલુ પ્રસાદને જાદુઈ નંબર પર લઈ જઈ શકે છે. બીજી સ્થિતિ એ છે કે નીતીશ કુમાર રાજીનામું આપીને નવી સરકાર બનાવવાનો દાવો કરે તો આરજેડી પણ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

આરજેડીના આ તમામ સમીકરણો ત્યારે જ આકાર લઈ શકે છે જ્યારે આરજેડીને મોટી પાર્ટી માનીને તેજસ્વી યાદવને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવે. જો આવું થાય તો આરજેડી સુપ્રીમો ફ્લોર ટેસ્ટમાં પણ જીતી શકે છે. જો રાજ્યપાલ આરજેડીની અરજી સ્વીકારે છે અને તેને ગૃહમાં બહુમતી સાબિત કરવા કહે છે તો લાલુ યાદવને તેમની તમામ વ્યૂહરચના બતાવવાની તક મળી શકે છે. આવી સ્થિતિમાં લાલુ યાદવ એક મહાન રણનીતિકારની ભૂમિકામાં આવી શકે છે. કારણ કે બિહાર વિધાનસભાના સ્પીકર અવધ બિહારી ચૌધરી આરજેડી ક્વોટામાંથી છે. અને વિધાનસભાના અધ્યક્ષ પાસે અમર્યાદિત સત્તા છે.

વિધાનસભાના અધ્યક્ષ ફ્લોર પર બહુમતી સાબિત કરવામાં મદદ કરી શકે છે. જો જેડીયુના કેટલાક ધારાસભ્યો જાદુઈ સંખ્યાને પહોંચી વળવા માટે સમર્થન આપે છે તો વિધાનસભા અધ્યક્ષ આરજેડીને અલગ જૂથનો દરજ્જો આપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. જેમ મહારાષ્ટ્રમાં થયું, વિધાનસભા અધ્યક્ષે શિંદે જૂથને અલગ જૂથ તરીકે માન્યતા આપી હતી. બીજી સ્થિતિ એ છે કે જેડીયુના કેટલાક ધારાસભ્યોને ગેરહાજર રાખીને ગૃહમાં બહુમત સાબિત કરી શકે છે. અથવા લાલુ પ્રસાદ મેજિક નંબર મેળવવા માટે કેટલાક ધારાસભ્યોના રાજીનામા મેળવીને પોતાની રણનીતિને અસરકારક બનાવી શકે છે.

Most Popular

To Top