પટના: બાહુબલી પૂર્વ સાંસદ આનંદ મોહનને (Anand Mohan) જેલમાંથી (Jail) મુકિત મળી ગઈ છે. ત્યારે આ વચ્ચે સીએમ (CM) નીતિશ કુમારના એક બયાને હોબાળો મચાવ્યો છે. નીતિશ કુમારે આનંદ મોહનનો પક્ષ લઈ કહ્યું હતું કે 2017થી લઈ અત્યાર સુધી બિહારમાં 698 કેદીઓને મુકત કરવામાં આવ્યાં છે. આ વખતે 27 કેદીઓને મુકત કરવામાં આવ્યાં હતા તો આમાંથી શા માટે એક જ કેદી કે જેને મુકિત મળી છે તેના પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે બાહુબલી નેતા આનંદ મોહનને 1994માં ગોપાલગંજના તત્કાલિન જિલ્લા અધિકારી જી કૃષ્ણૈયાની હત્યાના મામલામાં આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જો કે તેઓને હાલ જ રાજ્યોની અલગ અલગ જેલમાં 14 વર્ષથી વધુ સમય સુધી સજા કાપી રહેલા 26 અન્ય કેદીઓ સાથે મુકત કરવામાં આવ્યા હતા. આનંદ મોહનની મુક્તિને બિહારમાં નીતિશ કુમાર માટે રાજકીય કાર્ડ તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ વિપક્ષ બિહારના સીએમ પર નિશાન સાધી રહ્યા છે. તેના પર બિહાર સરકારના મુખ્ય સચિવ આમિર સુભાનીએ કહ્યું હતું કે આનંદ મોહનને કોઈ ખાસ છૂટ આપવામાં આવી નથી. તેની મુક્તિ પણ જેલના નિયમો અનુસાર થઈ છે.
આનંદ મોહનની મુકિત અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે અલગ-અલગ રાજ્યોમાં કેદીઓને મુક્ત કરવાના આંકડા પણ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે જો કોઈ આઈએએસ અધિકારી સાથે આવી ઘટના બને તો તેને આજીવન રાખવાની કોઈ જોગવાઈ છે. આ કયા રાજ્યમાં છે? સીપીઆઈએમએલની માંગ પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે માંગનો કોઈ અર્થ નથી. આ કોઈ પક્ષની માંગણી નથી પરંતુ જોગવાઈઓ અને નિયમો લોકોને જાહેર કરવામાં આવે છે. આ કોઈ રાજકીય બાબત નથી.
જાણકારી મળી આવી છે કે બિહાર સરકારે 10 એપ્રિલે જેલ નિયમો, 2012 ના નિયમ 481 (i) (a) માં સુધારો કર્યો છે. આ અંતર્ગત હવે ‘ડ્યુટી પરના સરકારી કર્મચારીની હત્યા’ને અપવાદની શ્રેણીમાંથી હટાવી દેવામાં આવી છે. જૂના નિયમ હેઠળ, સંપૂર્ણ સજા પહેલા સરકારી કર્મચારીની હત્યા કરનારાઓને મુક્તિની જોગવાઈ નહોતી, પરંતુ નિયમમાં સુધારા પછી આવા ગુનેગારોને પણ મુક્તિ મળી શકશે. આ નવા નિયમ હેઠળ, બિહાર સરકારે તાજેતરમાં આનંદ મોહન સહિત 27 કેદીઓને મુક્ત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.