બિહાર વિધાનસભા ચૂંટણીની આતુર રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ચૂંટણી પંચ આજે તા. 6 ઓક્ટોબરના રોજ રાજ્ય માટે ચૂંટણીની તારીખો જાહેર કરશે. 243 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ આગામી તા.22 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.
ચૂંટણી પંચ આજે સોમવારે બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેનું સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. આ અંગે ચૂંટણી પંચે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. રાજ્યની 243 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ તા.22 નવેમ્બરના રોજ પૂરો થવાનો હોવાથી ચૂંટણીની પ્રક્રિયા હવે શરૂ થવાની છે.
રાજ્યના વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે ચૂંટણી છઠ તહેવાર બાદ યોજાય. આ તહેવાર બિહારના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાંનો એક છે અને આ અવસરે મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાંથી પોતાના ગામડે પરત ફરે છે. રાજકીય પક્ષોનું માનવું છે કે તહેવાર પછી ચૂંટણી યોજાશે તો મતદાન ટકાવારી વધશે.
૨૦૨૦ની વિધાનસભા ચૂંટણી કોવિડ-૧૯ મહામારી દરમિયાન ત્રણ તબક્કામાં યોજાઈ હતી. તે સમયે સ્વાસ્થ્ય સુરક્ષા અને સામાજિક અંતર જાળવવાની ફરજને ધ્યાનમાં રાખીને તબક્કાવાર મતદાન કરવામાં આવ્યું હતું. આ વખતે ઘણા રાજકીય પક્ષોએ એક તબક્કામાં ચૂંટણી યોજવાની માંગણી કરી છે જેથી પ્રક્રિયા સરળ અને ઝડપી બને.
ચૂંટણી પંચે તાજેતરમાં બિહારની તૈયારીઓની સમીક્ષા માટે મુલાકાત લીધી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી તૈયારીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી અને ચૂંટણીની નિષ્પક્ષતા તથા સુરક્ષિત આયોજન અંગે ચર્ચા કરી હતી.
ચૂંટણી પંચના સૂત્રો મુજબ આ વખતે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) અને મતદાર ચકાસણી પેપર ઓડિટ ટ્રેઇલ (VVPAT) માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા દળોને પણ ઉચ્ચ સ્તરે તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.
ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બિહારમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. NDA, RJD અને અન્ય ગઠબંધનો પોતાના ઉમેદવારોની યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરી શકે છે.